પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કંટાળીને નિરાશાના ઉદ્‌ગાર કહાડતા જણાય છે. કેટલાક આત્માનુભવની વાત નહિ સમજીને માત્ર મોઢાના અહં બ્રહ્માસ્મિનો જપ પકડી બેઠેલા છે તો કેટલાક ધર્મને બદલે કનક કામિનીના મોહમાં પડી ગયેલા છે. રામકૃષ્ણ મિશનના સાધુઓ પણ તેવા ન થઈ પડે તેટલા માટે સ્વામી વિવેકાનંદે તેમના મઠના સંન્યાસીઓના મગજમાં દૃઢપણે ઠસાવ્યું છે आत्मानो मोक्षार्थं जगद्गिताय च ॥ અર્થાત્‌ સાધુ સન્યાસીઓનું જીવન પોતાનો મોક્ષ સાધવાને અને જગતનું હિત કરવાને માટેજ છે. લોકસેવા એ પણ પ્રભુ સેવાજ હોઇને વર્તમાન સમયમાં ઘણાખરા જીજ્ઞાસુઓ અને ભક્તોને માટે મોક્ષ પ્રાપ્તિનો તેમની પ્રકૃતિને બંધ બેસતો એજ માર્ગ છે એમ સર્વેને તેમણે સારી પેઠે સમજાવી આપ્યું છે. પોતાના દૃષ્ટાંત અને ચારિત્રથી સ્વામીજીએ વર્તમાન સમયના સાચા સંન્યાસીની આબાદ રૂપરેખા આંકી બતાવી છે. જો કોઈપણ બાબતથી સ્વામી વિવેકાનંદ અન્ય સંન્યાસીઓથી જુદા પડતા હોય તો તે તેમનું અપૂર્વ જીવનજ હતું. એ જીવન સદા ઉદ્યોગી હતું. પવિત્રતા, દૃઢ વૈરાગ્ય અને પરહિતની લાગણીથી તે ભરપુર હતું. આળસનો લેશ પણ અંશ તેમાં દેખાતો નહિ. સ્વામીજી તેમના શિષ્યોને જે કાંઈ બોધ આપતા તેના કરતાં પણ પોતાના ચારિત્ર્યથી તેમનું ચારિત્ર્ય વધારે ઘડતા. તેમનું ચારિત્ર્ય તેમના શિષ્યોને મન અનેક પ્રકારના બોધોનો સાક્ષાત્‌ ભંડાર થઈ રહ્યું હતું. મુખથી બહુ નહિ પણ ચારિત્ર્યથીજ કેળવણી આપવી એ હિંદના પ્રાચીન રૂષિઓનો જે મહત્વનો સિદ્ધાંત હતો તે સ્વામીજીએ સારી રીતે અમલમાં લાવી બતાવ્યો હતો.

ચારિત્ર્યથીજ ચારિત્ર્યને ઘડવું એ પદ્ધતિ કેળવણીમાં કેટલી બધી અગત્યની છે ? હિંદની કેળવણીમાં એ પધ્ધતિની કેટલી બધી જરૂર છે ? ગુજરાતમાં અને બીજા પ્રાંતોમાં આપણા અનેક જાણીતા માણસો