પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૧
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


તેઓ સ્વાશ્રયી બનશે નહિ, જેથી યુવાન સાધુઓ અને બ્રહ્મચારીઓનું એક મંડળ બનાવીને તેઓ દર મહિને મંડળનો એક અધ્યક્ષ પોતાનામાંથી નીમે અને તે અધ્યક્ષ મઠની સઘળી જરૂરીઆતોને માટે જવાબદાર રહે એવી યોજના કરવામાં આવી હતી. આ અધ્યક્ષ કામની વહેંચણી કરતો અને તેના કહ્યા પ્રમાણે સર્વે પોત પોતાની દરરોજની ફરજ બજાવતા. દરેક જણને દિવસમાં કેટલોક સમય સાધના કરવાને માટે આપવામાં આવતો. અધ્યક્ષની દેખરેખ નીચે મઠનું સઘળું કાર્ય વ્યવસ્થાસર અને સફાઈબંધ કરવામાં આવતું. માંદા માણસોની પણ બરાબર માવજત કરવામાં આવતી. મઠના સાધુઓનું કાર્ય જોઇને સ્વામીજીને હવે સંતોષ થવા લાગ્યો. સ્વામીજી સર્વેના નેતા હતા, સર્વેના આદર્શ હતા અને સર્વે બાબતોમાં ભાગ લેતા હતા. ઘડીકમાં પોતાના શિષ્યો સાથે તે વર્ગોમાં બેસતા, ઘડીકમાં મઠનું કાર્ય કરતા અને બ્રહ્મચારીઓને સલાહ આપતા; અને ઘડીકમાં સર્વેને ઉત્તેજન ભર્યા શબ્દોથી શાબાશી આપતા જણાતા.

એ દિવસોમાં સ્વામીજી મુખ્ય કરીને સંન્યાસીના જીવનના આદર્શો અને રહેણી કરણી વિષેજ શિષ્યોને બોધ આપતા જણાતા. તે તેમને સંન્યાસીની ફરજો સમજાવતા અને સંન્યાસરૂપી જે મહાવ્રત તેમણે લીધેલું હતું તેની જવાબદારીઓ તેમના મનમાં ખૂબ ઠસાવતા. સંન્યાસીના જીવનનું ગૌરવ અને તેની શક્તિઓ પણ સાથે સાથે તેમની દૃષ્ટિએ લાવતા. સ્વામીજી તેમને વારંવાર કહેતા કે “તમારૂં બ્રહ્મચર્ય તમારી નસોમાં વ્યાપી રહેલા અગ્નિના જેવું તેજસ્વી હોવું જોઇએ. યાદ રાખો કે મુક્તિ અને જનસેવા એ તમારો આદર્શ છે.” જગતના સુખને માટે પોતાના સુખનો ત્યાગ કરવો એનુંજ નામ વૈરાગ્ય છે.