પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેઓ ઉપદેશતા કે આત્મમશ્રદ્ધાવાળા મનુષ્યને માટે કશુંએ અશક્ય નથી. તે દર્શાવતા કે “જગતનો આખો ઇતિહાસ થોડાંક આત્મશ્રદ્ધાવાળાં મનુષ્યોનોજ ઇતિહાસ છે. એ આત્મશ્રદ્ધાથી તમારામાં જે દેવત્વ જાગૃત થાય છે તેના વડે તમે ગમે તે કરી શકો તેમ છો. એ અપરિમિત શક્તિને પ્રગટાવવાનો જો તમે પુરેપુરો પ્રયાસ ન કરો તોજ તમે નિષ્ફળ થાવ. આત્મશ્રદ્ધાને ખોનાર મનુષ્ય કે પ્રજાનો જલદીથી નાશ થઈ જાય છે.”

“પ્રથમ તમારા પોતાનામાં શ્રદ્ધા રાખો અને પછી ઈશ્વરમાં. આત્મશ્રદ્ધાવાળાં મુઠ્ઠીભર મનુષ્યો આખા જગતને ધ્રુજાવવાની શક્તિમાન છે. લાગણીવાળા હૃદયની, વિવેકવાન બુદ્ધિની અને કામ કરવાને સશક્ત શરીરની આપણને જરૂર છે. જ્યારે બુદ્ધિ કંઈક કહે અને હૃદય કંઈક કહે ત્યાં હૃદયનું જ કહ્યું કરો.”

સ્વામીજી તેમને વારંવાર સમજાવતા કે ખરેખર ત્યાગી હોય છે તેજ જગતમાં મોટાં કાર્યો કરી શકે છે. માટે ખરેખરા સાધુના લક્ષણ-વૈરાગ્ય, પવિત્રતા અને સાદાઈ–એ સર્વેનો સુયોગ આપણે આપણામાં સાધવો જોઇએ. સ્વામીજી એમજ માનતા હતા કે સ્વાર્થ દૃષ્ટિથી કરેલું કામ કામજ નથી. પારમાર્થિક દૃષ્ટિએ કરેલું કાર્ય જ નિત્ય અને શ્રેષ્ઠ ફળને આપનાર નિવડે છે.

લોકસેવા કેવી રીતે કરવી એ વિષે સ્વામીજી અનેક વાર ચર્ચા કરતા. અપંગ અને નિરાધારોનું પોષણ કરવું, આપત્તિના સમયમાં આશ્રય આપવો, માંદાઓની માવજત કરવી, વ્યાધિથી દૂષિત થયેલા ગામમાં સુખકારી સ્થાપવાના ઉપાયો યોજવા, અનાથાશ્રમો ઉઘાડવાં, દવાખાનાં સ્થાપવાં, કેળવણીનાં મથકો બંધાવવાં એવી એવી અનેક બાબતોને તે તેમના શિષ્યોના મગજમાં ઠસાવતા. સ્વામીજીના આગ્રહથી એ સઘળી બાબતો રામકૃષ્ણ મિશનના કાર્યક્રમમાં