પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૩
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


ક્રમમાં દાખલ કરવામાં આવેલી છે. આજે પણ આપણે જોઇ શકીશું કે ભારતવર્ષના અનેક ભાગોમાં રામકૃષ્ણ મિશનના સાધુઓ યથાશક્ય કાર્ય બજાવી રહેલા છે. કોઈપણ સ્થળેથી દુઃખનો કે આફતનો પોકાર આવ્યો કે તરતજ બેલુર મઠના સાધુઓ સહાય આપવાને તે સ્થળે જઈ પહોંચે છે અને દુઃખીઓનાં દુઃખ હરે છે.

મઠમાં શિષ્યોને ફક્ત ધાર્મિક કે વ્યવહારિક વિષયોનું મોઢાનુંજ જ્ઞાન આપવામાં આવતું એમ નહિ, પણ તેમની પાસે બાગનું કામ કરાવવામાં આવતું, તથા ઢોર અને બીજાં પશુઓને કેવી રીતે સંભાળવાં અને ઉછેરવાં તે પણ તેમને શીખવવામાં આવતું. તેમની રસવૃત્તિ ખીલવવાને તેમને સંગીત શિખવવામાં આવતું. વળી તેમની શારીરિક ઉન્નતિ સાધવાને સ્વામીજી તેમની પાસે કસરત કરાવતા અને હોડી હંકારાવતા. તે કહેતા કે “ધાર્મિક પુરૂષોમાંથીજ મારે ખલાસીઓ અને ખાણ ખોદનારાઓની ફોજ ઉભી કરવી છે. એથી કરીને મારા દીકરાઓ, તમારી ભુજાઓને બળવાન બનાવો. યોગીઓ ભલે શરીરને દુર્બળ કરે, પણ જેમને કામ કરવાનું છે તેમણે તો બાહુઓને વજ્ર સમાન બનાવવા જોઈએ.” વળી શિષ્યો હિંદના સામાજીક અને ધાર્મિક સવાલો ઉપર પુરેપુરો વિચાર કરતાં શિખે અને પૂર્વ–પશ્ચિમનાં આદર્શોનો સુયોગ સાધી શકે તે માટે સ્વામીજી તેમની પાસે તે બાબતોનો અભ્યાસ પણ કરાવતા.

અખંડ બ્રહ્મચર્યની સાથે વૈરાગ્યનું પાલન કરવાથી હૃદયમાં જ્ઞાનનો શ્રેષ્ઠ પ્રકાશ પડી રહે છે અને આત્માનો સાક્ષાત્કાર સત્વર થાય છે, એ વાતને શિષ્યોના મગજમાં ઠસાવવાનું સ્વામીજી કદીએ ચુક્તા નહિ. સાધુઓએ પોતાના જીવનમાં પ્રકૃતિ સામે અનેક પ્રકારનાં યુદ્ધ કરવાનાં છે અને આંતર્ વૃત્તિઓ ઉપર જય મેળવવાનો છે, માટે તેમણે સાત્વિક તપસ્યા કરીને મનોનિગ્રહ અને એકાગ્રતાને