પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સાધવાનાં છે; વગેરે બાબતોને પણ સ્વામીજી સારી રીતે સમજાવતા. કોઈ શિષ્યને એકાંતમાં ધ્યાન કે તપ કરતો જોઈને તે ઘણાજ ખુશી થતા. એક વખતે એક સંસારી પુરૂષે એક આધ્યાત્મિક પ્રશ્ન કરતાં સ્વામીજીએ કહ્યું કે “જાઓ અને તમારા ચિત્તની શુદ્ધિ કરવાને તપ કરો, એટલે પછીથી તમારે આવા પ્રશ્નોજ નહિ કરવા પડે.”

બ્રહ્મચર્યાશ્રમનું સખ્ત પાલન સર્વે એ કરવું એવો સ્વામીજીનો દૃઢ આગ્રહ હતો. બ્રહ્મચારી તરીકે તેઓએ સખત નિયમો પાળવા અને બ્રહ્મચર્યાશ્રમને માટે દર્શાવેલા આહાર વિહારના નિયમો પ્રમાણેજ જીવન ગાળવું એવો સખત હુકમ સ્વામીજીએ સર્વે કરી દીધો હતો.

તેઓ કહેતા કે બ્રહ્મચર્યાશ્રમનું બરોબર પાલન કર્યા પછી ગૃહસ્થાશ્રમી થવું કે સંન્યાસી થવું એ દરેકની મરજીની વાત છે, પણ ઢોંગી સાધુ બનીને સંન્યાસાશ્રમને લાંછન લગાડવું એ તો અતિશય ખરાબ હોઈ એના કરતાં તો ગૃહસ્થાશ્રમી થવું હજાર દરજ્જે સારૂં છે. વળી તેમણે સવારમાં વહેલા ઉઠવું. સંધ્યાવંદનાદિ તથા ધ્યાન નિયમિત રીતે કરવું. તપસ્યા કરવામાં પણ ખાસ કરીને અમુક સમય ગાળવો. શરીરને આરોગ્ય રાખવાને પુરતો પ્રયાસ કરવો. ભોજન લેવામાં નિયમિત થવું. હંમેશાં તેમણે ધાર્મિક વિષયો ઉપરજ વાતો કરવી. પશ્ચિમના મઠોમાં વર્તમાનપત્રો વાંચવામાં આવે છે તે પણ તેમણે કેટલોક વખત પડતું મૂકવું અને ગૃહસ્થાશ્રમીઓ જોડે પણ વધારે ભળવું નહિ, એવો બોધ પણ સ્વામીજી આપતા. વળી તેઓ કહેતા કે સંસારી મનુષ્યોએ મઠના કામમાં જરાએ હાથ ઘાલવાનો નથી. સંન્યાસીને ધનવાન લોકોનું કશુંએ કામ નથી. તેણે તો દીનદુઃખી પ્રત્યેજ ફરજ બજાવવાની છે. આપણા દેશના સંન્યાસીઓએ ધનવાનોને માન આપી