પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
સરસ્વતી દેવીને અર્પણ.


પશ્ચિમમાં વિદ્યા ઐહિક સુખના સાધન તરીકે લેખાય છે, પણ હિંદમાં પારમાર્થિક જીવનના પગથીયારૂપે ગણાય છે. શુદ્ધ આર્યત્વનો વિકાસ તેમાં અનાયાસેજ થાય છે. અનેક ધાર્મિક સત્યો અને સિદ્ધાંતોનું દર્શન તેમાં કરાવાય છે. આ પારમાર્થિક વિચારને લીધેજ સરસ્વતી−વિદ્યાદેવી દેવી તરીકે લેખાય છે – પૂજાય છે અને બાળક ધાર્મિક ક્રિયાઓથી તેને અર્પણ કરાય છે તથા ભણવું એ પણ ધાર્મિક કર્તવ્ય મનાય છે.

નરેન્દ્ર શાળામાં જવા લાગ્યો પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની રીતભાતથી તેના ઉપર ખોટી અસર થવા લાગી, તેથી માબાપે ખાનગી રીતે એક પંડિતને ઘેર રાખી નરેન્દ્રને ભણાવવાનો પ્રારંભ કર્યો. નરેન્દ્રની સ્મરણશક્તિ અત્યારથી જ તીવ્ર દેખાતી હતી. તેની સાથે ભણવાને બીજા છોકરાઓ પણ તેના ઘરમાં આવતા હતા. પંડિત બધાને ભણાવે અને સઘળા ધ્યાન દઈને સાંભળે, પણ નરેન્દ્ર એક બાજુ ઉપર પલાંઠી વાળી, આંખો મીંચીને ધ્યાન ધરતો બેસી રહે ! આથી તેના શિક્ષક ઘણા ગુસ્સે થતા અને મનમાં ધારતા કે નરેન્દ્ર મૂર્ખ છે અને ક્લાસમાં ઉંઘ્યા કરે છે. આવી રીતે વખત વર્ગમાં પાઠ શીખવતે શીખવતે તેમણે નરેન્દ્રને આખો મીંચીને બેઠેલો જોતાં તે ઘણા ખીજવાયા. એકદમ ઉઠીને તે નરેન્દ્રની પાસે ગયા અને તેને બે હાથે ઝાલીને ખુબ હલાવ્યો તથા ધમકાવ્યો; પરંતુ નરેન્દ્ર તુરતજ પોતાના બચાવમાં બધા પાઠ કડકડાટ બોલી જવા લાગ્યો ! પંડિતજી તો આ પ્રકાર જોઈને છક્કજ થઈ ગયા ! તેઓ ધીમેથી માત્ર એટલું જ બરબડ્યા કે “આ તો કોઈ વિલક્ષણ પુતળું છે !” તે સમયથી નરેન્દ્રની સ્મરણશક્તિ માટે તેમને ઘણોજ ઉંચો અભિપ્રાય બંધાયો.

વિશ્વનાથદત્ત અને ભુવનેશ્વરીની તીવ્ર ઈચ્છા હતી કે નરેન્દ્રને