પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બોલ્યા “હું હવે મારી શક્તિ તમને આપું છું. પ્રભુ તમને સહાય કરશે.” એમ કહીને સ્વામીજીએ તેમને કેટલીક સુચનાઓ આપી અને પછી બે શિષ્યો ગુરૂના આશિર્વાદ લઈને ઢાકા તરફ વિદાય થયા.

સ્વામીજીની તીવ્ર ઈચ્છા એવી હતી કે મઠમાં વેદ, ઉપનિષદો, વેદાન્ત સુત્રો, ગીતા અને બીજાં શાસ્ત્રોનો પુરેપુરો અભ્યાસ થવો જોઈએ. સ્વામીજી જાતે પણ આ વખતે સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્રોનો વધારે ઉંડો અભ્યાસ કરવા મંડી પડ્યા હતા. તે પોતે જાતેજ પાણિનિકૃત અષ્ટાધ્યાયી શિષ્યોને શિખવતા હતા. વળી આ દિવસોમાં તે કેટલાક સંસ્કૃત શ્લોક પણ બનાવતા હતા. તેઓ સંસ્કૃતમાં કવિતાઓ રચતા. તેમનું બનાવેલું એક સંસ્કૃત સ્તોત્ર અત્યારે પણ મઠમાં શ્રીરામકૃષ્ણની આરતી વખતે બોલવામાં આવે છે. શિષ્યો સાથે સ્વામીજી કેટલોક વખત સંસ્કૃતમાંજ વાત કરતા. સ્વામીજીની મધુર વાણી, બોલવાની છટા અને ઉંડા સંસ્કૃત અભ્યાસ વિષે તેમના એક શિષ્ય બાબુ શરદચંદ્ર નીચે પ્રમાણે લખે છે:— “જાણે કે સાક્ષાત્‌ સરસ્વતી દેવીજ તેમના મુખમાં આવીને બેઠી હોય તેવુંજ અમને લાગતું હતું. સંસ્કૃતમાં બોલવાની સ્વામીજીની છટા એવી અદ્ભુત અને જુસ્સાદાર હતી, કે મોટા પંડિતોને પણ તેવી સુંદર રીતે વાત કરતાં મેં કદી જોયા નથી.” સ્વામીજી સંસ્કૃતમાં કવિતા લખતા અને પછીથી શિષ્યોને તે આપતા અને કહેતા કે “આને તપાસી જુઓ અને છંદાનુપ્રાસમાં કંઈ ભૂલ હોય તો તેને સુધારો. તમે જાણો છો કે લખતી વખતે વિચારમાં હું મશગુલ થઈ રહેલો હોઉં છું અને તેથી વખતે વ્યાકરણની ભુલો કરી દઉં છું.” સ્વામીજીની અગાધ શક્તિ આગળ બાબુ શરદચંદ્રનું જ્ઞાન સમુદ્રમાં એક ટીપા જેવું હતું. છતાં સ્વામીજીને ઉપર પ્રમાણે બોલતા સાંભળીને તે કહેતા કે “મહારાજ, સંસ્કૃત ભાષા ઉપર આપે કેટલો બધો કાબુ મેળવેલો છે તે સર્વે જાણે છે. જેને