પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતા. નાગમહાશય પ્રાચીન ગાર્હસ્થ્ય ધર્મની સાક્ષાત્‌ મૂર્તિ હતા અને સ્વામીજી અર્વાચીન સમયના આદર્શ સંન્યાસી હતા. નાગમહાશય પ્રભુભક્તિમાં ચકચુર થઈ રહ્યા હતા અને સ્વામીજી અદ્વૈતવાદની પરાકાષ્ટાએ પહોંચી મનુષ્યમાં રહેલા દેવત્વને પ્રગટાવી રહ્યા હતા. બંનેનું લક્ષ્ય–આદર્શ–સંન્યાસ અને આત્માનુભવ હતો. આવા બે મહાપુરૂષોનો મેળાપ ચિત્તાકર્ષક, બોધપ્રદ અને મોહકજ હોય એમાં આશ્ચર્ય નથી.

પરસ્પર નમસ્કાર થયા પછી નાગમહાશય બોલી ઉઠ્યા “જય શંકર, મારી આગળ સાક્ષાત્‌ શિવજીને જોઈને મારી જાતને હું ધન્ય ગણું છું.” એમ કહેતે કહેતે નાગમહાશય હાથ જોડીને સ્વામીજીની સામે ઉભા જ રહ્યા. સ્વામીજીએ તેમને ઘણું એ કહ્યું પણ તે બેઠાજ નહિ. સ્વામીજીએ તેમના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે નાગમહાશય બોલ્યા કે “આ નકામા માંસ અને હાડકાંના થેલાના સમાચાર કેવા ! મને તો અહીંઆં સાક્ષાત્‌ શિવજીનાં દર્શન કરીને ઘણોજ આનંદ થાય છે.” એમ કહીને નાગમહાશય સ્વામીજીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા. સ્વામીજી તેમને ઉઠાડીને વિનંતિ કરવા લાગ્યા કે “મહેરબાની કરીને આવું કરશો નહિ.” આ વખતે શિષ્યોના વર્ગમાં ઉપનિષદ્ શિખવાતું હતું. સ્વામીજી પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે “હમણાં વર્ગને બંધ કરો. બધાએ આવો અને નાગમહાશયનાં દર્શન કરો.” સઘળા શિષ્યો ત્યાં આવ્યા અને નાગમહાશયની આસપાસ વીંટળાઈને બેસી ગયા. સ્વામીજી સર્વને કહેવા લાગ્યા “જુઓ, નાગમહાશય ગૃહસ્થાશ્રમી છે, પણ એમને શરીર કે જગતનું ભાન નથી. એ હમેશાં પ્રભુભક્તિમાંજ લીન રહે છે. ભક્તિમાં લીન થએલો પુરૂષ કેવો હોય તેનું આ જીવંત દૃષ્ટાંત છે.” સ્વામીજી નાગમહાશયને અરજ કરવા લાગ્યા કે “કૃપા કરીને શ્રીરામકૃષ્ણ વિષે