પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૧
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


કંઈક કહો.” નાગમહાશય નમ્રતાથી કહેવા લાગ્યા “હું શું કહું ? તેમના વિષે કંઇપણ કહેવાને હું ના લાયક છું. પ્રભુના અવતાર શ્રીરામકૃષ્ણની લીલામાં ઉત્તમ ભાગ ભજવનાર મહાવીર (સ્વામીજી)નાં દર્શનથી મારી જાતને પવિત્ર કરવાને માટેજ હું અહીં આવેલો છું. શ્રીરામકૃષ્ણનો જય હો, જય હો.” સ્વામીજી બોલ્યા “આપણા ગુરૂને તમેજ ખરી રીતે ઓળખ્યા છે. અમે તો આમ તેમ બાથડીયાં મારીએ છીએ.” નાગમહાશયે ઉત્તર આપ્યો “કૃપા કરીને એવું બોલશો નહિ. તમે પણ શ્રીરામકૃષ્ણની મૂર્તિ છો. તમે બંને એકજ શિક્કાની બે બાજુઓ છો. પ્રભુએ જેને આંખો આપી હશે તેજ તે જોઈ શકશે.”

થોડીવાર પછી સ્વામીજી બોલ્યા “તમે જો મઠમાં આવીને રહો તો કેવું સારૂં થાય ! આ છોકરાઓને તેમનું ચારિત્ર્ય ઘડવાને ઉત્તમ જીવંત નમુનો મળે.” પ્રભુના પરમ ભક્ત પ્રભુનું શરણ લેતા બોલી ઉઠ્યા, “જગતનો ત્યાગ કરવાનું મેં એકવાર શ્રીરામકૃષ્ણને પૂછ્યું હતું. તેમણે કહ્યું ‘સંસારનો ત્યાગ કરશો નહિ’ તેથીજ હું તે પ્રમાણે રહ્યો છું. તમે તેમનાં બાલબચ્ચાં હોઈ બધાનાં દર્શન કરવાને કોઈ કોઇવાર અહીં આવીને લાભ લઉં છું.” સ્વામીજી તેમને ઘેર આવવાની ઈચ્છા ધરાવતા હતા એવું જાણીને નાગમહાશય ઘણાજ આનંદથી બોલ્યા, “અરે તે દિવસ ક્યારે આવશે ! મારૂં એવું સદ્ભાગ્ય ક્યાંથી ? તમારા પગની રજથી એ સ્થળ પવિત્ર થશે અને કાશીધામ બની રહેશે. જેની આંતર્ દૃષ્ટિ પવિત્ર થઈ નથી તે તમને શું ઓળખી શકે ? તમે કોણ છો તે એ શું જાણી શકે ? માત્ર શ્રીરામકૃષ્ણજ તમને બરાબર ઓળખતા હતા. બીજાઓ તો માત્ર તેમણે તમારા વિષે જે કહેલું છે તેને જ માને છે. તેઓ જાતે તમને બરાબર ઓળખી શક્યા નથી.”

સ્વામીજી—આપણા દેશને જાગૃત કરી મૂકવો એજ હવે