પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૫
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


જોડે વેદાન્ત વિષયક ચર્ચા કરવાને આવ્યા હતા. તે વખતે હિંદમાં ઘણેખરે ઠેકાણે છપનીઓ દુષ્કાળ ચાલી રહેલો હતો. લોકોનું સંકટ ટાળવાને સ્વામીજીએ પોતાનાથી બનતા સઘળા ઉપાય કરવા છતાં તેમને સંતોષ થાય તેટલું એ બાબતમાં તેમનાથી નહિ બની શકવાનો વિચાર એ સમયે તેમના મનમાં ચાલી રહેલો હોવાથી તેઓ જરા ખિન્ન હૃદયે બેઠેલા હતા. આ કારણને લીધે તે સમયે તે પંડિત સાથે શાસ્ત્રો ઉપર ચર્ચા કરવાને બદલે સ્વામીજી તેમને કહેવા લાગ્યા કે “પંડિતજી, પ્રથમ તો તમે આ સર્વત્ર વ્યાપી રહેલા દુષ્કાળનું દુઃખ ટાળવાનો પ્રયાસ કરો. તમારા દેશ બંધુઓ ભુખ્યા છે અને તેઓ મુઠી અનાજને માટે હૃદયને ચીરી નાંખે એવા પોકારો કરી રહેલા છે તેમને માટે તમારાથી બને તેટલું કર્યા પછી તમે સુખેથી વેદાન્ત ઉપર ચર્ચા કરવાને આવજો. બીજાઓને આત્મવત્‌ સમજીને, હજારો ભુખ્યાઓના પ્રાણ બચાવવાને, આપણે આપણા જીવનનો પણ ભોગ આપવો એ પણ વેદાન્તનું મુખ્ય રહસ્ય છે.”

શ્રીરામકૃષ્ણના બોધને કૃતિમાં મૂકવાને માટે રામકૃષ્ણ મિશને અનેક પ્રકારનાં કાર્યો આરંભેલાં છે તેમાંના એક અગત્યના કાર્યનું વર્ણન અત્રે આપવું આવશ્યક છે. તે કાર્ય શ્રીરામકૃષ્ણદેવના જન્મોત્સવની ઉજવણી છે. શ્રીરામકૃષ્ણનો જન્મદિવસ આખા બંગાળામાં મહોત્સવ તરીકે લેખાય છે. તે દિવસને સઘળા બંગાળીઓ ઘણોજ પવિત્ર અને શુભ ગણે છે. શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ બેલુર મઠમાં દર સાલ ઉજવાય છે અને તે દિવસે બંગાળાના દરેક ભાગમાંથી જુદી જુદી ન્યાત જાત અને પંથના લોકો, પોતાનો ભેદભાવ ભુલીને ઘણા ભક્તિભાવથી ત્યાં ઉતરી પડતા નજરે પડે છે. કલકત્તાના મોટા મોટા નાગરિકો પણ તે ઉત્સવમાં ભાગ લે છે. શ્રીરામકૃષ્ણનો જન્મ દિવસ આખી બંગાળી પ્રજાને ધન્ય દિવસ મનાય