પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


છે. એ દિવસે શ્રીરામકૃષ્ણના ભક્તો તેમની પૂજા કરવાને મઠમાં આવીને ઘણા ભક્તિભાવથી તેમની છબીની પૂજા કરે છે. વળી ઘણા સાધુ, સંતો, ભક્તો, ઉપદેશકો અને ભજનિકો વગેરે પણ ભજન કરતા કરતા ત્યાં પ્રવેશ કરે છે અને આખા મઠને પોતાનાં ભજનોથી ગજાવી મૂકે છે. તે દિવસે પવિત્ર ગંગામાં સ્નાન કરવાને સર્વે બંગાળીઓ જાય છે અને લોકોનાં ટોળેટોળાંથી ગંગા નદીના બંને કિનારા ઉભરાઈ જતા નજરે આવે છે.

પોતાના ગુરૂના જન્મોત્સવને દિવસે સ્વામી વિવેકાનંદ પવિત્ર જાન્હવીમાં સ્નાન કરીને પછી ઉઘાડે પગે કોઈ વખત મૃદંગ વગાડતા તો કોઈવાર ભજન ગાતા અહીં તહીં વિચરતા સૌની નજરે આવતા હતા. જ્યારે તે કલકત્તામાં રહેતા હતા ત્યારે પણ એ દિવસે સવારમાં સ્નાન કરી ગળે મૃદંગ લટકાવી ઉઘાડે પગે ભજન ગાતા ગાતા કલકત્તાના મહોલ્લાઓમાં થઈને મઠમાં જતા. રસ્તામાં અસંખ્ય મનુષ્યોનાં ટોળે ટોળાં તેમની સાથે જોડાતાં. એ પ્રસંગે સ્વામીજીનો ભાવ કેવો હતો; એ વિશાળ હૃદયના મહાપુરૂષના આત્મામાંથી કેવા અલૌકિક પ્રેમનો ઝરો વહી રહેતો હતો; એ ભાવ અને એ પ્રેમનું વર્ણન શબ્દોમાં આપવું અશક્ય છે. તે સમયે ત્યાં હાજર રહેલા અને સ્વામીજીના સમાગમમાં આવેલા પુરૂષોજ તે ભાવનો ખ્યાલ આણી શકે તેમ છે. સ્વામીજી બે હાથ પહોળા કરીને સર્વેને ભેટી પડતા અને પોતાનાથી નાનું હોય તેને તો ખોળામાંજ બેસાડી દેતા. સ્વામીજીનો એવો ભાવ જોઈને ઘણા સુશિક્ષિત યુવાનો તેમની આસપાસ વીંટળાઈ વળતા, તેમની પાછળ પાછળ ફરતા અને “લેક્ચર, લેક્ચર” એવી બુમો પાડી રહેતા.

શ્રીરામકૃષ્ણના જન્મોત્સવને દિવસે રામકૃષ્ણ મિશને સ્થાપેલા દરેક મઠ, વેદાન્ત મથક, અનાથાશ્રમો વગેરે સર્વ સ્થળે જેટલા બને