પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૭
મઠમાં સંન્યાસીઓની કેળવણી.


તેટલા ગરિબોને સારી રીતે જમાડવાનું ધોરણ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. એ દિવસે બેલુર મઠમાં વીસેક હજાર સ્ત્રી પુરૂષોને ભોજન આપવામાં આવતું હતું. વળી બીજાં મથકોમાં પણ એકંદરે આઠ દશ હજાર મનુષ્યોને ખવરાવવામાં આવતું હતું. હાલ પણ બેલુરમઠ અને બીજાં મથકોમાં એ પ્રમાણેજ કરવામાં આવે છે. એ ઉપરાંત સર્વે મથકોમાં એ દિવસે પૂજા, ભજન, વેદોચ્ચારણ વગેરે ચિત્તાકર્ષક ક્રિયાઓ દ્વારા જનસમુહની ધર્મભાવના જાગૃત થાય તેમ કરવામાં આવે છે અને ત્યાં આવેલાં હજારો સ્ત્રી પુરૂષોનો આત્મા સર્વત્ર વ્યાપી રહેલા પવિત્ર વાતાવરણથી ઉન્નત બને છે. આવા ઉત્સવો સંસારમાં પુરેપુરાં લુબ્ધ થઈ રહેલાં સ્ત્રી પુરૂષોને ઘડીભર ધાર્મિક આનંદનો સ્વાદ ચખાડીને તેમને ધાર્મિક મેળાઓમાં, મંડળોમાં અને ક્રિયાઓમાં ભાગ લેતા કરે છે. મઠમાં એ દિવસે પ્રભુના નામનો ઘોષ સર્વત્ર વ્યાપી રહે છે. ભક્તો અને સાધુઓ પૂજન કરી રહ્યા બાદ “શ્રીરામકૃષ્ણ કથામૃત” કે “બોધવચન” માંથી અસરકારક હકીકતો લોકોને શ્રવણ કરાવે છે. આ સઘળી બાબતો ત્યાં આવનાર મનુષ્યોના હૃદયમાં ઘણાજ ઉદાર ભાવો અને પ્રભુ ભક્તિ ઉત્પન્ન કરે છે. ગરિબોને ભોજન કરાવવામાં મઢના સાધુઓ ન્યાત જાત કે ધર્મનો ભેદ ગણતા નથી અને ઘણાજ પ્રેમથી અને સેવાભાવથી તેમને પોતાને હાથે પીરસીને આગ્રહથી જમાડે છે. શ્રીરામકૃષ્ણ જન્મોત્સવની આટલી હકીકત જાણ્યા પછી આપણે પાછા મૂળ બાબતપર આવીએ.

સ્વામીજીની તબીયત સારી નહિ હોવાથી ખુલ્લી હવાનો લાભ મેળવવા માટે તેઓ એક જમીનદાર મિત્રની હોડીમાંજ હવે સવાર સાંજનો ઘણો ખરો સમય ગાળતા. હોડીમાં ઘણુંખરૂં તે ધ્યાનગ્રસ્તજ રહેતા અને એક બાળક જેવા આનંદી અને કોઈ પણ