પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પ્રવીણ થયેલા હોઈને તેઓ યોગવિદ્યામાં, વક્તૃત્વકળામાં તેમજ લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. તે જરા વધારે નિવૃત્તિપરાયણ સ્વભાવના હોવાથી આશ્રમના અધિષ્ઠાતા તરીકેનું કાર્ય કરવાને વધારે લાયક હતા. વળી અમેરિકામાં એક આશ્રમ સ્થાપવાની સ્વામીજીની ઈચ્છા હતી, કારણકે અમેરિકનોએ વેદાન્ત ઉપર ભાષણ ઘણાંએ સાંભળ્યાં હતાં પણ પોતાનો અને વેદાન્તનો ક્રિયાત્મક ભાગ હજી બરાબર સમજવાને તેઓ શક્તિમાન થયા ન હતા. આ બાબતો સમજાવવાને તેમજ શીખવવાને માટે એક સારા સંન્યાસીની જરૂર હતી અને સ્વામી તુરીયાનંદ તે કામને માટે ઠીક લાયકાતવાળા હોવાથી સ્વામીજીએ તેમને પોતાની સાથે લીધા હતા.

રવિવારની સવારમાં મદ્રાસના બંદર ઉપર હજારો મનુષ્યોની ઠઠ ભરાઈ રહી હતી. સર્વે સ્વામી વિવેકાનંદનાં દર્શન કરવાને આતુર બની રહ્યા હતા, પણ સર્વેને જણાવવામાં આવ્યું કે સ્ટીમર કલકત્તાથી આવેલી હોવાથી અમુક દિવસ સુધી તેમાંના કોઈને પણ ઉતરવા દેવામાં નહિ આવે. અસંખ્ય મનુષ્યો આ વાત સાંભળી શોકાતુર બની ઘેર ગયા.

કેટલાકે એવો નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે સ્વામીજીનાં દર્શન તો કરવાં. તેઓ મછવામાં બેશીને સ્ટીમર પાસે ગયા. સ્વામીજી બહાર તુતક ઉપર આવ્યા અને તેમના ભક્તો અને મિત્રોએ તેમને જોઈને ખુશાલીનો પાકાર કરી મૂક્યો. સાંજે પણ અસંખ્ય મનુષ્યો બંદર ઉપર એકઠાં થયાં. છેવટે સ્ટીમર ઉપડી અને કિનારે ઉભેલાં સ્ત્રી પુરૂષો અને બાળકોએ જયઘોષ કરી મૂક્યા. આખી મુસાફરીમાં સ્વામીજી ભારતભૂમિના ધાર્મિક વિચારો અને માનવજાતિના વિકાસ સંબંધી જ વાત કરી રહ્યા હતા. નિવેદિતાને મન આ મુસાફરી એક મહાન યાત્રા સમાન થઇ રહી હતી. કેમકે સ્વામીજીના