પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જોઇને અમે સ્તબ્ધ બની જઈએ છીએ. જેઓ તેમના સમાગમમાં આવે છે તેમના તરફ તે અત્યંત માયા દર્શાવે છે. તેમનું માયાળુપણું, તેમની સાદાઈ, તેમની નમ્રતા, તેમના સંગીતમય શબ્દો અને તેમનું અલૌકિક વક્તૃત્વ અમને ઘણાંજ પ્રિય અને સચોટ લાગે છે. સ્વામી વિવેકાનંદ શિક્ષક, ઉપદેશક અને તત્વજ્ઞાની કરતાં પણ અધિક છે; કવિતાની કોઈ અદ્દભૂત ભૂમિકામાંથી ઉતરી આવેલા તે એક મહાન કવિ છે !”

થોડા વખત પછી સ્વામીજીએ સેન ફ્રાન્સીસ્કોમાં વેદાન્તસમાજ અને “શાંતિ આશ્રમ” નામનો એક આશ્રમ સ્થાપ્યાં. તે બંને સંસ્થાઓ આજે પણ સારી આબાદીમાં છે. સ્વામીજીએ એ બંને સંસ્થાઓનું કામ તુરીયાનંદને સોંપ્યું અને પોતે ન્યૂયોર્ક ગયા. ત્યાં તેમણે ગીતાજીનો વર્ગ શરૂ કર્યો. સ્વામીજી અમેરિકામાં આરામ લેવાને માટે આવ્યા હતા, પણ તેમના જેવા અત્યંત દયાળુ મહાપુરૂષ તો આરામ શી રીતે ભોગવી શકે ?

એક પરોપકારી બાઈએ ૧૬૦ એકર જમીન શાંતિ આશ્રમ બાંધવાને બક્ષીસ આપી અને તેના ઉપર બાંધવામાં આવ્યો. એ આશ્રમ છેક નજીકના રેલવે સ્ટેશનથી પણ ચાલીસ માઈલને અંતરે આવેલ છે. તે આશ્રમના હેતુઓ સ્વામીજીના શબ્દોમાં નીચે પ્રમાણે છે:

“દરેક જીવ પોતાના મૂળ સ્વરૂપમાં દેવ છે. બાહ્ય અને આંતરિક પ્રકૃતિ ઉપર જય મેળવીને એ દેવત્વને ખુલ્લું કરવું એજ માનવજીવનનો અંતિમ આદર્શ છે. કર્મથી, પૂજાથી, યોગથી કે તત્વજ્ઞાનથી, એકથી કે અનેકથી, તે કાર્યને સાધો અને મુક્ત થાઓ. બધા ધર્મ એમાંજ સમાઈ જાય છે. સિદ્ધાંતો, ક્રિયાઓ, પુસ્તકો, દેવાલયો,વિધિઓ વગેરે સર્વ એના આગળ ગૌણ છે.”