પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૭
ફરીથી અમેરિકા જવું.


ટૂંકમાં કહીએ તો સ્વામીજીએ રાજયોગના સિદ્ધાંતો કૃતિમાં મૂકાય તેટલા માટેજ શાંતિ આશ્રમ સ્થાપેલો છે. પ્રથમ પ્રાણને રોકી પછી મનને રોકવું અને પછી ધ્યાન ધારણાદિ ક્રિયાઓથી સમાધિ પર્યંત જવું વગેરે બાબતો ત્યાં શિખવવામાં આવે છે. કેલીફોર્નીઆ જેવા ઘોંઘાટ અને અશાંતિવાળા અને જડવાદના સિદ્ધાંતોથી ભરેલા પ્રદેશમાં પુષ્કળ શાંતિ, વિશ્રાંતિ અને શ્રદ્ધાથી ભરેલો આ આશ્રમ એ ખરેખર આશ્ચર્યકારક વસ્તુ છે. અભ્યાસ માટે આશ્રમમાં રહેનારા કેલીફોર્નીઆના મનુષ્યોને જાણે કે તેઓ હિમાલયના શાંત પ્રદેશમાં બેઠા હોય એમજ લાગતું. ત્યાં પુષ્કળ શાંતિ આસપાસ વ્યાપી રહી હતી. માત્ર ટાઢ ઉરાડવાને સળગાવેલી તાપણીનો મંદ સુસવાટ કે દૂર આવેલાં વૃક્ષોની ઘટાઓમાંથી આવતી પવનની મંદ લહરીના અવાજથી તે શાંતિમાં કંઈક ભંગ થતો હતો એજ માફ ! અહીં આ ઘણા દૂર પ્રદેશમાં-યોગ અને વેદાન્તની ભૂમિ–ભારતવર્ષથી હજારો માઈલને છેટે, આશ્રમના અધિષ્ઠાતા સ્વામી તુરીયાનંદ પોતાની આસપાસ વીંટળાઈ રહેલા, આંખો અરધી મીંચીને ધ્યાનમાં બેઠેલા અને પરબ્રહ્મને ઉપાસી રહેલા શિષ્યોને યોગ અને વેદાન્તનો બોધ આપતા હતા. કેલીફોર્નીઆના એક વર્તમાનપત્રે તે આશ્રમનો હેવાલ નીચે પ્રમાણે આપ્યો છે.

“હરણ, સસલાં, કબુતર અને બીજાં એવાં શિકાર કરવાનાં પ્રાણીઓથી ભરેલા એક પ્રદેશને મનમાં કલ્પો, તેમાં એક મોટો તંબુ ઉભો કરેલો છે, છતાં એક પણ બંદુક ફોડવામાં આવતી નથી એમ ધારો. રાત્રે તાપણીની આસપાસ લડાઈનાં ગીતોને બદલે સંસ્કૃત મંત્ર બોલવામાં આવે છે એવી કલ્પના કરો. જંગલમાં શિકારીઓ જે વાતો કરે છે તેને સ્થાને સૃષ્ટિની ઉત્પત્તિ વિષેની ચર્ચાઓને ખ્યાલ મનમાં લાવો. ટુંકામાં શિકારીએાની શિકાર કરવાની ઈચ્છાને સ્થાને પોતાનામાં રહેલા “દેવત્વ”ને જાગૃત કરવાની તીવ્ર ઈચ્છાને કલ્પો;