પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૧
ફરીથી અમેરિકા જવું.


નદીના પૂરથી તણાઈ ગયેલાં ગામડાંના લોકોને સહાય કરવા નીકળી પડ્યા હતા. નદીના પૂરથી જેમનાં ઝુંપડાં તણાઈ ગયાં હતાં તેવા અનેક નિરાધાર લોકોને તેમણે આશ્વાસન અને મદદ પહોંચાડી હતી. આ પ્રમાણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સન્યાસી શિષ્યો, પોતાના હૃદયને વધારે ને વધારે સેવાપરાયણ બનાવીને લોકસેવાદ્વારા પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવાને ઇચ્છી રહ્યા હતા. તેઓ ભારતવર્ષમાં દુષ્કાળ, પ્લેગ, કોલેરા વગેરેથી પીડાઈ રહેલાં અસંખ્ય મનુષ્યોને સહાય અને આશ્વાસન પહોંચાડી રહ્યા હતા.

એ વખતે પેરીસમાં એક મોટું પ્રદર્શન અને તેની સાથે એક ધર્મ પરિષદ્ ભરવાની યોજના ત્યાંના લોકોએ કરી હતી. ત્યાંના રોમન કેથોલીક ધર્મના પાદરીઓને ડર લાગતો હતો કે જો એવી પરિષદ્ ભરવામાં આવશે તો અમેરિકાની માફક પેરીસમાં પણ વેદાન્ત ધર્મની સર્વોપરિતા પાછી ફરીથી સાબીત થશે. એથી કરીને તેમણે એ યોજના ભાગી પાડી. સર્વેએ મળીને ઠરાવ કર્યો કે એ પરિષદમાં ધર્મ વિષે ચર્ચા કરવી નહિ, પણ ધાર્મિક ઇતિહાસ ઉપરજ બને તેટલું નવું અજવાળું નાંખવું. એ પરિષદમાં ભાગ લેવાને સ્વામી વિવેકાનંદને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું. રવામીજીએ હવે ફ્રેંચ ભાષા કાળજીથી શીખવા માંડી અને બે મહિનામાં તે ભાષામાં વ્યાખ્યાન આપી શકાય તેટલી તૈયારી કરી લીધી અને તેઓ પેરીસ ગયા.

પેરીસમાં સ્વામીજીને પશ્ચિમના અનેક વિદ્વાનો જોડે મુલાકાત થઈ. પરિષદમાં ઘણા વિદ્વાનો, કવિઓ, લેખકો, તત્વવેત્તાઓ, વિજ્ઞાનશાસ્ત્રીઓ અને પાદરીઓ એકઠા થયા હતા. તે સર્વે સ્વામીજીની જોડે ઓળખાણ કરીને ઘણોજ આનંદ દર્શાવવા લાગ્યા. પરિષદનું કાર્ય શરૂ થયું અને પશ્ચિમના વિદ્વાનો જગતના ધર્મોનો ઈતિહાસ રજુ કરીને તે ઉપર ચર્ચા કરવા લાગ્યા. હિંદુધર્મ વિષે બોલતાં