પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હિંદુ સમાજનું બંધારણ બંધાયેલું છે. સમાજના મૂળ બંધારણની પાછળ તે ગુહ્ય તત્ત્વ રૂપે રહેલું છે. હિંદુ સમાજમાંની અનેક ઉત્તમ રૂઢિઓએ સૂક્ષ્મ તત્ત્વોનોજ સ્થૂલ આવિર્ભાવ છે. આથીજ હાલ અનેક વેશધારીઓ વધી જવા છતાં પણ સાધુ સંતોનું હિંદુ સમાજમાં ઉચ્ચ પદ ગણાય છે અને જેઓ જ્ઞાન અને ઉચ્ચ ભાવનાઓનો ભંડાર ગણાય છે. તેમનું ચારિત્ર હિંદુ સમાજના જીવનનું તારતમ્ય અને અંતિમ આદર્શ છે. તેમના આધ્યાત્મિક અનુભવો અને ઉપદેશ શ્રવણ કરવાને દરેક સંસ્કારી હિંદુ સદા આતુર હોય છે. નરેન્દ્ર પણ સ્વાભાવિક રીતે ઈશ્વરનાં દર્શન પામેલા હોય એવા સંત પુરૂષોની વાર્તાઓ ઘણા ઉલ્લાસથી સાંભળતો અને ઘણી વખત અરણ્યમાં જઈ એક ભક્ત અથવા યોગીની માફક ઈશ્વરનાં દર્શન કરવાને આતુર બનતો. બીજાં બાળકોની સાથે રમતે રમતે પણ “ચાલો આપણે ઈશ્વરનું ધ્યાન ધરીએ” એમ બોલી ઈશ્વરનું ધ્યાન ધરવા બેસી જતો અને બીજાને તેમ કરવાનું કહેતો. સંસારની વાતોથી તે દૂર રહેતો. અત્યારથી જ તેનામાં વૈરાગ્યવૃત્તિ દેખાતી હતી.

એક બનાવ એવો બન્યો કે જેથી તેની વૈરાગ્યવૃત્તિને પોષણ મળ્યું. ઘોડા અને ગાડીઓનો તે શોખીન હતો, તેથી ઘણુંખરું ઘોડાઓના તબેલામાં તે જતો, ઘોડાઓને પંપાળતો અને ગાડીવાન સાથે વાતચીત કરતો. આ ગાડીવાન કુંવારો હતો અને તે પરણતો નહોતો. સંસાર અસાર છે, દુઃખનો દરીઓ છે, એમ કહેતો કહેતો તે પોતાનો અનુભવ કહેવા લાગ્યો. સંસારનાં બંધનમાં પડવું, સ્ત્રી અને છોકરાની કાળજી માથે વ્હોરી લેવી, એવી એવી મુશ્કેલીઓ દર્શાવીને તેણે સંસારી જીંદગીનાં અનેક દુઃખ વર્ણવ્યાં. નરેન્દ્ર તેની વાત સાંભળતો અને ઉંડા વિચારમાં પડી જતો. એકવાર આ વાત સાંભળીને તેણે નિશ્ચય કર્યો કે “હું કદી પરણનાર નથી. બસ સ્વતંત્ર જીંદગીજ