પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બેસી યા લેટીને ધ્યાનદશા અનુભવતા. કોઈવાર મઠમાં પોતાની ઓરડીમાં બેઠે બેઠે પુસ્તકોજ વાંચ્યા કરતા. વખતો વખત સ્વામીજીને આધ્યાત્મિક સ્ફુરણાઓ થઈ આવતી અને તેઓ આત્મધ્યાનમાં મગ્ન થઈ જતા.

બેલુર મઠમાં થોડાક દિવસ રહ્યા પછીથી સ્વામીજીએ માયાવતીવાળા અદ્વૈત આશ્રમની મુલાકાત લીધી. ત્યાંની સ્વચ્છ હવા, એકાંતવાસ અને અદ્વૈત્ આશ્રમનું કાર્ય જોઈને સંતોષ થયો. ત્યાંથી બેલુર મઠમાં પાછા આવ્યા પછી પૂર્વ બંગાળા અને ઢાકામાંથી અનેક આમંત્રણો આવવાથી સ્વામીજી તે તરફ કેટલાક દિવસ ગાળી આવ્યા. ત્યાંના મુખ્ય સ્થળ ઢાકામાં ત્યાંના વિદ્વાનોની વિનંતીથી સ્વામીજીએ બે ભાષણ આપ્યાં. છેલ્લા ભાષણમાં તેમણે હિંદુઓના પ્રાચીન ગૌરવનું અસરકારક વર્ણન કર્યા પછી જણાવ્યું કે એ બધું ખરૂં છે; માત્ર આપણા પૂર્વજોના પ્રાચીન ગૈારવને ગર્વ લઈને તેમજ મોંઢાની વાતો કરીને જ બેસી રહેવાથી કશું વળવાનું નથી. પ્રાચીનકાળમાં ભારતવર્ષમાં મોટા મોટા ઋષિઓ થયા હતા એ ખરૂં, પણ આધુનિક સમયમાં તેમના કરતાં પણ વધારે મોટા આપણે થવું જોઈએ. સર્વ હિંદુ સંતાનોએ અને વિદ્યાર્થીઓએ વેદોનો અભ્યાસ તો અવશ્યજ કરવો જોઈએ. પાશ્ચાત્યોના ગ્રંથો ઉપર મોહી પડતા ભારતવાસીઓને આર્યતત્વજ્ઞાનનો મહિમા સમજાવ્યા પછી તેમણે કહ્યું કે; પશ્ચિમના તત્વવેત્તાઓ અત્યાર સુધીમાં ફક્ત મનુષ્યના મનનેજ શોધી કહાડીને ત્યાંજ અટકી રહેલા છે, ત્યારે હિંદુના પ્રાચીન ઋષિઓએ આજથી હજારો વર્ષ પહેલાં ઘણાજ આગળ વધી જઈને આત્માને શોધી કહાડેલો છે અને વિશ્વમાં નિત્ય અને સત્ય વસ્તુ તે આત્માજ છે એમ સાબીત કરેલું છે. આ મોટા ફરકને લીધેજ પશ્ચિમમાં દ્રવ્યલોભ અને મોજમઝા જીવનનું લક્ષ્ય બની રહેલાં છે અને હિંદુઓનો આદર્શ આત્મદર્શન રહેતો આવ્યો છે.