પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


છબીની સામે તે ઘણા પ્રેમ અને પૂજ્યભાવથી જોતા. ઓરડીમાંની બીજી બધી વસ્તુઓમાં તે છબીજ તેમને સૌથી વધારે આકર્ષક લાગતી હતી. એ ઓરડીમાં બેસીને ઘણીવાર લખતા, વાંચતા, બોધ આપતા, મુલાકાત લેતા અને ધ્યાન ધરતા. એક પ્રકારની અલૌકિક પવિત્રતા એ ઓરડીમાં વ્યાપી રહેતી. એ ઓરડીમાં જ તેમણે છેલ્લી મહાસમાધિ લીધી હતી. આજે પણ તે ઓરડી તેમાંની વસ્તુઓ સહીત જેવીને તેવી રાખવામાં આવેલી છે અને તેમાં પેસતાંજ અલૌકિક શાંતિ, શુદ્ધિ અને વૈરાગ્ય અનુભવાય છે. હજી પણ હજારો મનુષ્યો ઘણાજ પુજ્યભાવથી એ પવિત્ર સ્થાનનાં દર્શન કરવાને આવે છે.

સ્વામીજી હમેશાં સાદા અને ભોળા સ્વભાવના હતા. મઠમાં તે સર્વેના નેતા હતા, પણ તે કોઇને આજ્ઞા કરતા નહિ. સર્વે તેમના ચારિત્ર્યથીજ આકર્ષાઈને આજ્ઞાંકિત્ બની રહેતા. તે હમેશાં પોતાના શિષ્યો અને ગુરૂભાઈઓ સાથે ભળતા, હળતા, તેમની સાથે ભજનકીર્તન કરવાને બેસી જતા, ઉત્સવના દિવસોમાં સૌની સાથે ઉત્સવમાં ભાગ લઈ અનેક વાદ્યો વગાડતા અને કલાકોના કલાકો સુધી ભજનો લલકારતા. કોઈ કોઈવાર તે પોતાના ગુરૂભાઈઓ સાથે ગમ્મત પણ કરતા અને તેમની મશ્કરી કરીને ખુબ હસતા. કોઈવાર તે તેમને ઠપકો આપતા પણ બીજાની આગળ તો સર્વદા તેમનાં વખાણજ કરતા.

સ્વામીજી સવારમાં વહેલા ઉઠતા અને મઠના જે સાધુઓ ઉંઘતા હોય તેમને પણ જગાડતા. મઠના નિયમોને તે બરાબર પાળતા અને સૌની પાસે તેમનું સખત પાલન કરાવતા. મઠના બગીચાની અને મઠમાં રાખેલી ગાયોની કેવી સંભાળ લેવાય છે તેની પણ તેઓ દેખરેખ રાખતા અને સાદામાં સાદી નજીવી બાબતો ઉપર પણ તેઓ કાળજીભરી સંભાળ રાખતા.

જાનવરોને સ્વામીજી ઘણુંજ ચ્હાતા. મઠમાં તેમણે અનેક પ્રકારનાં