પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૩
બેલુર મઠમાં જીવન.


જાનવરો એકઠાં કર્યાં હતાં. તેમની પાસે એક કૂતરો હતો. તેને તે જ "વાઘ” કહેતા અને એક બકરી હતી, તેને તે “હંસી” કહીને બોલાવતા. વળી તેમણે કેટલીક ગાય, ઘેટાં, બતક, ડુક્કર, એક હરણ અને એક બગલું મઠમાં રાખ્યાં હતાં. એક ઘેટાના બચ્ચાને ગળે તે નાની નાની ઘંટડીઓ બાંધતા અને મઠમાં સ્વામીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તે ઘેટાનું બચ્ચું તેમની પાછળ જતું. અમેરિકાની પરિષદમાં વિજય મેળવનાર સ્વામી વિવેકાનંદનાં દર્શન કરવાને મઠમાં અનેક મનુષ્યો આવતા અને તેઓ યૂરોપાદિ દેશોને વેદાન્તના બોધથી ધ્રુજાવી મૂકનાર એ મહા પ્રતાપી વીર સાધુને એ ઘેટાના બચ્ચાની સાથે ખેલી રહેલા અને તેને રીઝવવાને પાંચ વર્ષના બાળકની માફક આમતેમ દોડાદોડી કરી રહેલા જોતા. તેમનો આવો આનંદી અને સાદો સ્વભાવ જોઈને તેઓ ઘણુંજ આશ્ચર્ય પામતા અને તેમના તરફ વધારે પૂજ્યભાવ દર્શાવતા. જાનવરને બરાબર ખવરાવ્યું છે કે નહિં અને તેમનાં સ્થાન સ્વચ્છ છે કે નહિ તેની પણ તે તપાસ રાખતા. કોઈવાર સ્વામીજી પોતાનાં વ્હાલાં જાનવરો સાથે વાતો કરતા જણાતા. તે ગમ્મતમાં કહેતા કે “માત્રી” તો મારી પેલા અવતારની સગી છે. એ બચ્ચાને જ્યાં ફાવે ત્યાં બેસવા ઉઠવાની છૂટ હતી. સ્વામીજીના ખાટલા ઉપર તે સુતું. કોઈ કોઈવાર સ્વામીજી “હંસી” પાસે જતા અને જાણે તે તેમનું કહ્યું કરતી હોય તેમ તેની પાસે રહીને ચ્હા માટે થોડું દૂધ માગતા અને તેને દોહતા. વાંચકને કહેવાની જરૂર નથી કે સ્વામીજી ગાયો, ભેંસો, બકરીઓ વગેરેને દોહવામાં પણ ઘણાજ કુશળ હતા. ઉંચામાં ઉંચા જ્ઞાનની સાથે તેમણે વ્યવહારનાં પણ ઘણાં કાર્યોમાં કુશળતા મેળવી હતી. બ્રહ્મજ્ઞાન અને વ્યવહારકુશળતાનો અપૂર્વ યોગ તેમણે તેમના જીવનમાં સાધ્યો હતો. એની સાથે તેમના જીવનમાં ઉપર