પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્વામીજીનો એવો દૃઢ આગ્રહ હતો અને તેમણે મઠમાં નિયમજ કર્યો હતો કે સર્વેએ સવાર સાંજ ધ્યાન કરવુંજ. એ નિયમનો ભંગ કરનારને સ્વામીજી ઘણીજ શિક્ષા કરતા. વારંવાર તે દેવળમાં જઈને જોતા અને જે ગેરહાજર હોય તેમનો જવાબ લેતા અને તેમને તે દિવસ માટે ભોજન આપવાનું બંધ કરી દેતા. તેમના વૃદ્ધ ગુરૂભાઈઓ પાસે પણ તે નિયમનું પાલન કરાવતા.

તપ, સંયમ અને ધ્યાન એ મનને દૃઢ કરવાનાં ઉત્તમ સાધનો છે અને તેથી મનોબળ ઘણુંજ વધે છે એમ સ્વામીજીનું દૃઢપણે માનવું હતું. આપણા જીવનમાં કોઈવાર જ્યારે આપણી સામે અનેક આફત આવી પડીને આપણને નાસીપાસ કરી મૂકે છે. તે સમયે જ્ઞાન અને મનોબળને ખીલવીને તે આફતોની સામે થવાનું સામર્થ્ય આપણે મેળવી રાખ્યું હોય છે તો આપણને કેટલો બધો આનંદ અને લાભ થાય છે ? સ્વામીજી ગૃહસ્થાશ્રમીઓને પણ ગ્રહસ્થને યેાગ્ય બ્રહ્મચર્યના પાલનપૂર્વક ધ્યાન, ધારણાદિ કરવાનો અત્યંત આગ્રહ કરતા હતા. વળી મનોબળ અને તિતિક્ષાને વધારનારા ઉપવાસ અને વૃતાદિને ૫ણ વિધિસર કરવાની સ્વામીજી બહુજ હિમાયત કરતા અને તેમાં નક્કી કરેલા માર્ગથી જરા પણ આડા અવળા ચાલવાની મના કરતા. સ્વામીજી જેવું કહેતા તેવુંજ પોતે કરતા. તેમનું કહેવું કેટલું બધું ખરું છે અને ધ્યાન, તપાદિથી કેવું અલૌકિક મનોબળ અને શક્તિ પ્રાપ્ત કરી શકાય છે તે સ્વામીજીએ પોતાના દાખલાથી સર્વેને સિદ્ધ કરી બતાવ્યું હતું.

આ ઉપરથી એમ સમજવાનું નથી કે સ્વામીજીએ સર્વેને ધ્યાન ધરી બેસી રહેવાનો ઉપદેશ કરેલો છે. આખો વખત ધ્યાનમાં ગાળી શકે એવું કોઈ વિરલ પુરૂષથીજ બની શકે તેમ હોવાથી ઘણા ખરા ત્યાગીઓ બાકીનો વખત સુઈ રહેવામાં કે ગપસપ ચલવવામાંજ ગાળતા હોવાથી એવા જીવનને સ્વામીજી મૃત્યુ સમાનજ ગણતા.