પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૧
બેલુર મઠમાં જીવન.


મહામાયા જગદંબાનો આશ્રય લે; પછી જો કે નિર્બળતા અને બાયલાપણું તારી પાસેથી બાર ગાઉ દૂર ભાગી જાય છે કે નહિ.

એમ બોલતા બોલતા સ્વામીજી મેડી ઉપરથી નીચે ઉતર્યા અને બહાર જઇને ચોગાનમાં આવેલા આંબાના ઝાડ નીચે ખાટલા ઉપર હંમેશની માફક બેઠા. તેમની આંખોમાં તે વખતે દિવ્ય તેજ પ્રકાશી રહ્યું હતું. અલૌકિક આધ્યાત્મિક ચેતનથી તેમનું આખું શરીર ધ્રુજતું હતું. સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ તેમની પાસે બેઠા હતા. તેમના તરફ આંગળી કરીને તે શિષ્યને કહેવા લાગ્યા કે, “તું બ્રહ્મને ક્યાં શોધવા જઇશ ? તે પ્રાણી-પદાર્થ સર્વેમાં રહેલો છે. આ સર્વવ્યાપી બ્રહ્મનો અનાદર કરીને જે તેને અન્ય સ્થળે શોધે છે તેમને શરમ છે. હાથમાં રહેલા ફળની માફક બ્રહ્મ આ જગતમાં ઉઘાડુંજ દેખાય છે. અહીં અને આખા જગતમાં બ્રહ્મજ બ્રહ્મ રહેલો છે.” સ્વામીજી આ શબ્દો એવા જુસ્સાથી બોલ્યા કે સૌનાં હૃદય બ્રહ્મભાવથી ડોલી રહ્યાં. સર્વેનાં હૃદયમાં અપૂર્વ શાન્તિનો વાસ થઈ રહ્યો અને સર્વે ભાવસમાધિમાં આવી ગયા. તે વખતે સ્વામી પ્રેમાનંદ ગંગામાં સ્નાન કરી પવિત્ર જળનું કમણ્ડલું ભરીને ત્યાં થઈને જતા હતા. તેમને જોઈને સ્વામીજી બોલી ઉઠ્યા કે, અહીં, અહીંઆંજ બ્રહ્મ દૃશ્યમાન થાય છે. તે શબ્દો સાંભળીને પ્રેમાનંદ સ્તબ્ધ બની ગયા. તે ચાલતા અટકી જઇને જ્યાં ઉભા હતા ત્યાંને ત્યાંજ સ્થંભી ધ્યાનસ્થ થઈ ગયા. પાએક કલાક આમ ચાલ્યો ગયો. એ બનાવ હજી પણ મઠના સાધુઓનાં હૃદયમાંથી ખસતો નથી. હજી પણ તે વિસરી જવાયો નથી. એ બનાવ ઉપરથી શ્રીરામકૃષ્ણના જીવનનો એક બનાવ અહીં યાદ આવે છે. પોતાના દેહનો ત્યાગ કર્યા પહેલાં થોડાક સમય પૂર્વે શ્રીરામકૃષ્ણ સમાધિમાંથી જાગીને તરતજ બહાર બગીચામાં આવ્યા હતા. ત્યાં જે કેટલાક શિષ્યો બેઠા હતા