પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
સરસ્વતી દેવીને અર્પણ.


નરેન્દ્રને એવા સાધુઓ અને તેમની વાતો ઘણાંજ પ્રિય હતાં. સાધુઓ વિષે તે સઘળું જાણતો. તેઓ કેવી રીતે ધ્યાન ધરે છે તે એ સમજતો. ઘરનાં માણસો પૂજા કરવાને કેવી રીતે બેસતાં તે એ જોતો. એક દિવસ એક વડીલે સંતોની વાતો કહેતે કહેતે ગમ્મતની ખાતર કહ્યું કે, જે સાધુઓની માફક ધ્યાન ધરે તેના વાળ વધીને મોટી જટા જેવા બની રહે ! નરેન્દ્રે એ વાતને સાચી માનીને શરીર ઉપરનાં સઘળાં વસ્ત્ર કહાડી નાખ્યાં. એક ભગવી લંગોટી તેણે વાળી અને પદ્માસન વાળીને એકાંતમાં ધ્યાન ધરવા લાગ્યો ! ભુવનેશ્વરીએ તે જોયું ત્યારે તે બોલી ઉઠ્યાં, “અલ્યા આ શું કરે છે !” માતાની પાસે દોડતા દોડતા તે હર્ષભેર ગયો અને ગર્વ ધરી બોલવા લાગ્યો : “જુવો, હું ધ્યાન કરું છું – હું ધ્યાન કરું છું.” હાથ જોડી, આખો મીંચી, પોતાની બાળબુદ્ધિ પ્રમાણેનું ધ્યાન તેણે એક કલાક સુધી કર્યું. એટલામાં તેના વાળ વિષે તેને વિચાર આવ્યો. વાળને તપાસતાં તે વધેલા માલમ પડ્યા નહીં અને તેથી ગભરાઈ ઉઠીને તે પોતાની માતા તરફ દોડી જઈ વાળ નહી વધવાનું કારણ પૂછવા લાગ્યો. માતાએ તેને સમજાવ્યો કે છોકરાંના વાળ કંઈ તરત વધે નહિ. મોટો થઈશ એટલે તે વધશે. વળી તે પોતાના અનુભવની વાત કરવા લાગ્યો, “માડી સવારમાં શિવજી પાસે બેસીને હું ધ્યાન ધરતો હતો પણ તેમાં ચિત્ત લાગ્યું નહી, તેથી મને તમારા શબ્દો સાંભર્યા કે મેં તોફાન કર્યું તેથી શિવે મને કૈલાસમાંથી કહાડી મૂક્યો છે ! હું ધારૂં છું કે મારા પાછલા જન્મમાં હું સાધુ હોઈશ ને મેં તોફાન કર્યું હશે તેથીજ મને શિવજીએ કહાડી મૂક્યો હશે ! જો હું હવે ભલો સાધુ થાઉં તો શિવ મને ફરીથી કૈલાસમાં આવવા દેશે ?” ભુવનેશ્વરીએ જવાબ આપ્યો, “હા” પણ તે મનમાં ગભરાવા લાગ્યાં કે તેના દાદા દુર્ગાચરણની – માફક તે પણ કદાચ સાધુ