પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વર્ષોમાં અતિ ઉજ્જ્વળ અને અચળ કીર્તિને પ્રાપ્ત કરનાર દિવ્યાત્મા હવે શરીરનું બંધન છોડીને ચાલ્યો ગયો. અનુપમ અધ્યાત્મ વિદ્યાને દેશ દેશની પ્રજા સમક્ષ આલાપિ રહેલો દેવતાઈ મધુર સ્વર હવે સદાને માટે બંધ પડી ગયો. દસ વર્ષ સુધી પશ્ચિમની પ્રજાઓની સમક્ષ પ્રભુનો મહિમા ગાઈ ગાઈને તેમના દિવ્યાત્માને જાગૃત કરી રહેલો અલૌકિક ગવૈયો હવે માનવની દૃષ્ટિ મર્યાદામાંથી સદાને માટે અદશ્ય થયો. જે પુણ્યાત્માએ ભર યુવાનીમાં સંસારની સઘળી લોભ લાલચોનો ત્યાગ કર્યો અને સંસારીઓને પ્રાણપ્રિય એવી વસ્તુઓને તુચ્છકારી, જેણે સંન્યાસીનું કમણ્ડલુ હાથમાં ધર્યું અને પંજાબથી કેપ કોર્મોરિન સુધી પ્રવાસ કર્યા પછી વિશુદ્ધ આર્યતત્વજ્ઞાનનો જગતની પ્રજાઓને લાભ આપવાને તથા ભારતવર્ષનો મહિમા ગાઈ તેનું ગૌરવ વધારવાને માટે સમુદ્રતટ ઓળંગી જેણે પરદેશમાં પર્યટણ કર્યું, તે પુણ્યાત્મા હવે સ્વરૂપસ્થ થયો. ૧૯૦૨ ના જુલાઈ માસની ૪ થી તારિખે શ્રી શંકરાચાર્ય સમોબલીષ્ઠ આ અદ્વૈતનો આચાર્ય, આ ગરિબ અને દુઃખીનો બેલી આ જનસમાજનો ઉદ્ધારક પોતાના નશ્વર દેહને ત્યજીને ચાલ્યો ગયો. તે દિવસે ભારતવર્ષે વેદાન્તનો ભગવો ઝુંડો જગતમાં ફરકાવનાર, શાંતિ અને આત્મજ્ઞાનને પ્રસારનાર શ્રી રામકૃષ્ણના પટ્ટશિષ્યને ખોયો. રામકૃષ્ણ મિશનનો સ્થાપનાર, ગુરૂભાઈઓનો નેતા, હિંદુ પ્રજાનું વ્હાલું રત્ન અને આર્યાવર્તતો મહાબુદ્ધિશાળી અને જગવિખ્યાત પુત્ર તે દિવસથી નજરે પડતો બંધ થયો.

સ્વામીજીના દેહાવસાનના સમાચાર વીજળી વેગે કલકત્તામાં, હિંદુસ્થાનમાં તેમજ યૂરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયા. બીજે દિવસે સવારે લોકોનાં ટોળે ટોળાં મઠ તરફ આવવા લાગ્યાં. અનેક ગાડીઓ મઠ તરફ જવા લાગી. પવિત્ર જાન્હવીને રસ્તે નૌકાઓ