પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨૭
મહાસમાધિ.


દ્વારા તેમજ આગબોટો દ્વારા અસંખ્ય મનુષ્યો આવીને મઠ આગળ ઉતરવા લાગ્યાં. સ્વામી વિવેકાનંદનું શરીર હજી તેવીને તેવીજ સ્થિતિમાં હતું. જે ઓરડીમાં એકાદ દિવસ ઉપરજ નિર્દોષ આનંદ વ્યાપી રહ્યો હતો, જેમાં અમૃત જેવી મિષ્ટતા સદાએ વાસ કરી રહી હતી અને જ્યાં બ્રહ્મનિષ્ઠ સ્વામિજીની અસ્ખલિત વક્તૃત્વધારા ચાલી રહેતી હતી, ત્યાં શુન્યકારની વચમાં તેમનું શબ પડેલું જણાતું હતું. આ દેખાવ જોઈને ત્યાં આવેલા મનુષ્યો ઉપર જે હૃદય વેધક અસર થઈ રહી હતી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. સ્વામીજીના મુખાર્વિંદ તરફ જોઇને એક જણે તો ત્યાં ને ત્યાં જ ભારતવર્ષની સેવામાં જીવનને વ્યતીત કરવાની પ્રતિજ્ઞા લીધી.

વિદ્વાન દાક્તરોનો અભિપ્રાય વિરૂદ્ધમાં હોવા છતાં પણ મઠના સાધુઓ એવી ગાંડી આશા રાખતા હતા કે હજી પણ સ્વામી વિવેકાનંદ શુદ્ધિમાં આવશે. જેથી કરીને સ્વામીજીના શબને તેમણે બીજા દિવસના બપોર સુધી રાખી મૂક્યું. છેવટે જ્યારે તેમની ખાત્રી થઈ ત્યારે પછી સર્વ આશા મૂકી દઈને તેઓએ અગ્નિદાહ કરવાની તૈયારી કરવા માંડી. સર્વત્ર ધૂપ કરવામાં આવ્યો. મઠની આસપાસની ભૂમિ ઉપર લોકોની મોટી ઠઠ જામી હતી. શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના નામનો જયઘોષ આકાશમાં ઉપરા ઉપરી ગરજી ઉઠીને પવિત્ર ગંગાને સામે કિનારે પહોંચવા લાગ્યો અને ત્યાંનાં ગામ, દેવાલયો અને ઠેઠ દક્ષિણેશ્વરના મંદિર સુધી તે સંભળાવા લાગ્યા. સર્વ કોઈ હવે છેલ્લીવારનાં સ્વામીજીના દેહનાં દર્શન કરવા લાગ્યા.

ત્રીજા પહોરે સ્વામીજીના શબને નીચે ઉતારીને ઓસરીમાં પધરાવવામાં આવ્યું. એક કપડા ઉપર પગલાં પાડી લીધા પછીથી આરતી કરવામાં આવી. મંત્રોચ્ચાર થઈ રહ્યો. શંખનાદ ચોતરફ ગાજી રહ્યો. ઘંટનો અવાજ સંભળાયો. સર્વત્ર પવિત્રતા અને આધ્યાત્મિકતાનું વાતાવરણ