પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આપવામાંજ ગાળતા. તે માત્ર ચાર કલાકજ ઉંઘતા. સવારના ત્રણ કે ચાર વાગ્યા કે તરતજ તે પથારીમાંથી ઉઠતા. મઠમાં તે વખતે સર્વત્ર શાંતિ પથરાઈ રહેલી જણાતી. તે વેળાએ સ્વામીજીના મુખમાંથી મીરાંબાઈ, તાનસેન, નાનક કે કબીરનાં ભજનો એક પછી એક નીકળતાં અને નિદ્રાવશ થયેલાં મનુષ્યોની નિદ્રાનો ભંગ થતો. પછીથી દાતણપાણી પરવારીને સ્વામીજી સ્નાન કરવાને જતા અને ત્યાંથી ઠાકુરઘરમાં જઈ ધ્યાન કરવાને બેસતા. એ પછીનો થોડો સમય તેઓ મઠનાં જાનવરોને પોતાને હાથેજ ખવરાવવામાં અને પંપાળવામાં ગાળતા. ગાય, બળદ, ભેંસ, બકરીઓ વગેરે પ્રત્યે મનુષ્યોના જેટલુંજ હેત તે દર્શાવતા. ઝાડ, પાન, લતાદિ તરફ પણ તે બહુજ લાગણીથી જોતા અને ઘણા પ્રેમથી તેમનો સ્પર્શ કરતા. ૫છીથી શિષ્યોને અધ્ય્યયન કરવાનું કાર્ય શરૂ થતું. કોઈપણ જાતના દંભ વગર સ્વામીજી તે કાર્ય કરતા અને તેમ કરવામાં પોતે કોઈવાર ગુરૂ તરિકે તો કોઈવાર પિતા તરિકે અને કોઈવાર શિક્ષક તરિકે કામ કરતા. પછીથી સર્વેના ભોજનની દેખરેખ રાખતા. ઘણીવાર શિષ્યોને સાથે લઈને જ જમતા. બપોરના સમયમાં તે સર્વેને વેદાધ્યયન કરાવતા. તે પછી તેઓ પોતાને મળવા આવનારાઓની મુલાકાત લેતા અથવા છપાવવા માટે કંઇક સાહિત્ય તૈયાર કરતા અથવા ભાષણ આપવાનું કે છાપખાનામાં કંઈ છપાવવાને કલકત્તા જતા. ઉપરનાં સઘળાં કાર્યોમાં સ્વામીજી સવારના ચારથી તે રાતના આઠ વાગતા સુધી ગુંથાઈ રહેતા અને પછીથી તે શ્રીરામકૃષ્ણની પ્રતિમા આગળ ધ્યાન ધરવાને બેસતા. થોડોક આરામ લીધા પછી લગભગ અડધી રાત્રિ સુધીનો સમય વાંચનમાં પસાર કરતા અને તે પછી વાંચતા વાંચતા પોતાની છાતી ઉપર પુસ્તક પડેલું હોય ને સુઈ ગયેલા નજરે પડતા.