પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૭
ઉપસંહાર.


પ્રાચીન ભારતનો અતિ ઉજ્જવળ અને યશસ્વી ઇતિહાસ સ્વામી વિવેકાનંદની નજરે તેના ખરા સ્વરૂપમાં ખડો થવા લાગ્યો. જાણે કે કોઈ પ્રત્યક્ષ પદાર્થ હોય તેમજ તેને તે પોતાની દૃષ્ટિ આગળ જોવા લાગ્યા. એક હાલતા ચાલતા પૂતળાની મફક પ્રાચીન ભારત તેમની દૃષ્ટિ આગળ ખડું થવા લાગ્યું. તે દૃશ્યમાં સ્વામીજી વીરરસ, કરૂણારસ અને આધ્યાત્મિકતાનાં અતિ પવિત્ર ચિત્રો નિહાળવા લાગ્યા. ભારતજ સકળ ધર્મની જનની છે અને તેથી સમસ્ત જગતનું ગુરૂ પદ તેનેજ લેવાનું છે એમ તેમનો નિશ્ચય થયો અને એ નિશ્ચયથી તેમની સ્વમાનની લાગણી અને સ્વદેશપ્રીતિ જાગૃત થઈ રહ્યાં. તેથી કરીને એમજ કહેવું ઘટે છે કે સ્વામીજીની સ્વદેશપ્રીતિ રાજસિક કે તામસિક ન હતી. તેમનું સ્વદેશાભિમાન રાજદ્વારી પુરૂષોના સ્વદેશાભિમાન જેવું ન હતું. તે કેવળ માતૃભૂમિની આધ્યાત્મિક શ્રેષ્ઠતાનું ભાન અને તેથી ઉપજતી અડગ ભક્તિ રૂપજ હતું.

સ્વામીજી ભારતવર્ષને પુણ્યભૂમિ ગણતા, તેથી તેને તે પૂજતા. તેને તે દયા, ક્ષમા અને સંયમનું સ્થાન લેખતા અને તેથી તે તેના તરફ પ્રેમથી જોતા. તે તેને આધ્યાત્મિકતાનું પારણું માનતા અને તેથી એના તરફ અત્યંતભાવ રાખતા. એમની એ ભક્તિ, પ્રીતિ અને પ્રેમ પાશ્ચાત્ય પ્રદેશનું બારીક અવલોકન કર્યા પછી વધારે દૃઢ અને તીવ્ર બની રહ્યાં હતાં.

ઈંગ્લાંડથી આવ્યા પછી તેમણે એક જાહેર ભાષણમાં કહેલું છે કે “આજે હું અહીં સત્યની ખાત્રી કરીને ઉભેલો છું અને કહું છું કે જગતમાં જો કોઇ પણ ભૂમિ પુણ્યભૂમિ હોવાનો દાવો ધરાવી શકતી હોય તો તે આ ભારતભૂમિજ છે. પ્રભુ તરફ પ્રયાણ કરનાર મનુષ્યોને જે ભૂમિમાં આવ્યા વગર ચાલે તેમજ નથી. જે ભૂમિમાં દયા, ક્ષમા, શાંતિ અને પરોપકાર પરાકાષ્ઠાએ