પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કોને દરકાર હતી ? અહીં હિંદમાં મારાં અસંખ્ય શરીરો દરરોજ દુઃખમાં દટાતાં હતાં તેમની સંભાળ કોણ લેતું હતું ? એ મારું સ્વદેશ કાર્ય માટે પહેલું પગલું હતું.”

અમેરિકા ગયા પછી સ્વામીજીએ હિંદમાંના પોતાના શિષ્યો ઉપર જે અનેક પત્રો લખેલા છે તેમાંના એકાદ બેનો સાર અહીં આપવામાં આવે છે. એ પત્રો સ્વામીજીનું વિશાળ હૃદય, ગરિબો પ્રત્યેની લાગણી અને આત્મશ્રદ્ધાનો ઉત્તમ ચિતાર આપણને આપે છે. એક પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું કે:-

"પવિત્રતાના જુસ્સાથી પ્રેરાયલાં, પ્રભુમાં અત્યંત શ્રદ્ધાથી બલિષ્ઠ થયેલાં અને ગરિબ, પતિત અને પાદાક્રાન્ત મનુષ્યોને માટે દયાની લાગણીથી સિંહ સમાન સામર્થ્યને પ્રાપ્ત કરી રહેલાં એક લાખ સ્ત્રીપુરૂષોએ ભારતવર્ષમાં એક છેડાથી બીજા છેડા સુધી વિચરવું જોઇએ અને સર્વેને મુક્તિ, સહાય, સામાજિક સુધારણા અને સમાનતાનો બોધ આપવો જોઈએ.”

"નિરાશ થશો નહિ....કટિબદ્ધ થાઓ. મારા પુત્રો, એ કાર્યને માટેજ પરમેશ્વરે મને સૃજેલો છે. હું આખી જીંદગી વિપત્તિ અને દુ:ખમાંજ ઘસડાયો છું. મેં નજીકનાં અને સગાં વહાલાંઓને પણ લગભગ ભુખમરાથી મરતાં જોયાં છે. મને હસનારાં અને મારો તિરસકાર કરનારાં મનુષ્યોને માટે દયાની લાગણી ધરાવવાને લીધે પણ મને નિર્માલ્ય લેખીને મારી મશ્કરી થયેલી છે. મારામાં અવિશ્વાસ રખાય છે અને મેં ઘણું સહન કરેલું છે. પણ મારા પુત્રો ! આ પ્રમાણે જેમ આ જગત વિપત્તિની શાળા છે તેજ પ્રમાણે તે મહાત્માઓ અને પયગમ્બરોને માટે દયા, ધૈય્ય અને અખિલ વિશ્વ ધ્રૂજી ઉઠે તોપણ ડગે નહિ એવા અડગ મનોબળનો વિકાસ કરવાની પણ શાળા છે.”