પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૩
ઉપસંહાર.


વિશેષ અસર ઉપજાવી શકતા નથી એનું કારણ એજ છે કે તેઓ પોતે શહેરોમાં ધન વૈભવમાં મહાલ્યા કરે છે અને પ્રજાના મોટા ભાગના ગરિબ અને દુઃખી વર્ગની તેમને માહિતી કે પરવા હોતી નથી; તેમજ હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનનું પણ તેઓ પુરેપુરું જ્ઞાન મેળવતા નથી. જનસમૂહનું દુઃખ જોઇને અને સાંભળીને સ્વામીજીને એટલું બધું લાગી આવતું કે તે રડી પડતા. ઘણીવાર બેલુર મઠમાં પોતાની ઓરડીમાં રડતા તે જોવામાં આવતા.

ઘણાઓ કહે છે કે સ્વામી વિવેકાનંદ પ્રાચીન ભારતનો મહિમા ગાઈને લોકોને રાજી કર્યા કરતા હતા, પણ ખરેખરી વાત તો એ હતી કે હિંદની આધુનિક અવદશાને માટે હિંદુઓને વારંવાર એમના જેવો ઠપકો આપનાર થોડાજ હશે. તેમનું લાહોરમાં આપેલું વેદાન્ત ઉપરનું વ્યાખ્યાન વાંચવાથી હરકોઈને જણાઈ રહેશે કે સ્વામીજીએ હિંદુજીવનમાં અને ધર્મમાં પેસી ગયેલી ખામીઓને કેવી ઉઘાડી કરી મૂકી છે અને હિંદુઓને તેમણે કેવો સખત ઠપકો આપેલો છે; પરંતુ ઠપકો આપવાથી તેમની લોકપ્રિયતામાં વધારોજ થતો હતો. દરેક સ્ત્રીપુરૂષને તે ભાઈ સમાન ગણતા. દરેક સ્ત્રીમાં તે શ્રીજગદંબાનેજ જોતા. દરેક ધર્મ કે પંથના સાધુઓ અને સંતો પ્રત્યે તે માનની લાગણી દર્શાવતા. કોઈ પણ ધર્મ કે સંસ્થાની તે નિંદા કરતા ન હતા. કોઈ પણ ધાર્મિક ક્રિયા કે ભાવનાની તે અવગણના કરતા ન હતા. તેમણે કદીએ કોઈના વિચારને વખાણ્યા નથી, પણ તે વિચારો ધરાવનારને આગળ વધવાનુંજ કહેલું છે. તેમના જેવી સ્વદેશભક્તિ, ધર્મ પ્રીતિ તેમજ ગરિબ, પાદાક્રાન્ત અને અભણ વર્ગો માટેની લાગણી આજે કોઈકજ ધરાવતું હશે. એવા મનુષ્ય સૌના પ્રેમનું પાત્ર બને એમાં નવાઈજ શી !

સામાજીક સુધારા વિષે સ્વામીજીએ પોતાનો મત નીચે પ્રમાણે