પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


દર્શાવેલો છે:- “હિંદમાં સામાજિક સુધારાનો બોધ કરવો હોય તો નવીન સુધારણાથી લોકોના જીવનમાં ધાર્મિકતાનો કેટલો વધારો થશે એ દર્શાવી આપવાથીજ કરી શકાશે. રાજ્યકિય બાબતો વિષે પ્રજાને બોધ કરવો હોય તો પણ પ્રજાને જેની ખરેખરી જરૂર છે તે આધ્યાત્મિકતા તેથી કેટલી વધશે એ બતાવીનેજ કરી શકાશે. ધાર્મિક આદર્શ જ મનુષ્યને માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આદર્શ છે. એટલુંજ નહિ, પણ હિંદમાં કાર્ય કરવાને માટે તો એ શક્ય આદર્શ છે. એ આદર્શ ને દ્રઢ કર્યા સિવાય બીજે રસ્તે કાર્ય કરશો તો તે નુકશાનકારકજ નીવડશે.

સ્વામીજી દૃઢપણે માનતા હતા કે સઘળા સુખકારક સામાજિક સુધારાઓ માનવજાતિના હૃદયમાં ઉંડા પ્રવેશી રહેલાં આધ્યાત્મિક સત્યોનો આવિર્ભાવજ છે. જો એ સત્યને દૃઢ અને વ્યવસ્થિત બનાવવામાં આવે તો સમાજ તેમને આધારે પોતાની મેળેજ વ્યવસ્થિત થઈ રહે. પ્રજાની સંસ્થાઓ ઘણા વખતથી ચાલતા આવતા જીવનનાંજ પરિણામો હોવાથી જ્યાં સુધી વધારે ઉન્નત સંસ્થાઓ ઉપન્ન કરી શકાઈ નથી ત્યાં સુધી જુનીને ઉખેડી નાખવાનું કહેવું એ નુકશાનકારકજ છે.

વળી સ્વામીજીનું ધારવું એવું હતું કે સઘળી સંસ્થાઓ અપૂર્ણજ છે તેથી તેમની ખામીઓ દર્શાવવાનું પણ સહેલું જ છે. માનવજાતિનો ખરેખર સહાયક તેજ છે કે જે ગમે તે સંસ્થામાં રહેલા મનુષ્યને તેની અપૂર્ણતા ટાળવામાં મદદ કરે છે. એ પ્રમાણે વ્યક્તિઓની સ્થિતિ સુધરે, પછી સમસ્ત પ્રજાની અને સંસ્થાઓની સ્થિતિ પણ સુધરેજ. ઉન્નત મનુષ્યો રિવાજોથી અને કાયદાઓથી કાબુમાં આવતા નથી, પણ તેઓ સત્ય, પ્રેમ, સહાનુભુતિ અને પ્રમાણિકતાના દિવ્ય નિયમોનેજ વશ થાય છે. જે પ્રજામાં ઘણા થોડાજ કાયદાઓની જરૂર પડે છે એ પ્રજાજ સુખી છે. જે પ્રજાને સંસ્થાઓનો થોડોજ આશ્રય લેવો પડે છે તેનેજ ધન્ય છે.