પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૭
ઉપસંહાર.

મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનારી યુનિવર્સીટિ સ્થાપવી અને વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી ઉપર આપણોજ કાબુ રાખવો.

એક સમયે કેલીફોર્નીઆમાં તેમણે કહ્યું હતું કે:–

“આધુનિક શિક્ષણની પદ્ધતિજ ખોટી છે. મન વિચાર કરતાં શિખે તે પહેલાં જ તેમાં અનેક વાતો ભરવામાં આવે છે. જો મારે કેળવણી લેવાની હોય અને મારો તેમાં હાથ હોય તો હું સર્વથી પ્રથમ મારા મન ઉપર કાબુ મેળવતાંજ શિખું. જરૂર હોય તો બીજી વાતાને તેમાં ભરું. પોતાના મનને એકાગ્ર કરી શકતા નથી તેથીજ તેમને અભ્યાસ કરતાં ઘણો વખત લાગે છે. મૅકોલેકૃત ઈંગ્લાંડનો ઇતિહાસ મોઢે કરવા માટે મારે તેને ત્રણવાર વાંચવા પડ્યો હતો, પણ મારી મા ગમે તે પવિત્ર પુસ્તકને એકજવાર વાંચીને મોંઢે કરી નાખતી. લોકો ચિત્તને એકાગ્ર કરતા નથી તેથીજ તેઓને ખમવું પડે છે.”

“તમે ગમે તેવી નવલકથાઓ અને બીજું જે આવ્યું તે વાંચવા મંડી પડો છો, પણ એવું વાંચન તમે જેમ થોડું વાંચો તેમજ સારૂં. વાંચનના જે બોજાને તમારે આગળ ઉપર મનમાંથી કહાડીજ નાખવા પડે તેમ છે તેવા બોજાથી ચિત્તને શા માટે ભરી દો છો ? ગીતાજીને વાંચો, વેદાન્તનાં બીજા સારા પુસ્તકો વાંચો, કેમકે તેની તમારે આખા જીવન સુધી જરૂર છે.”

સ્વામીજી વાંચન કરતાં મનનને વધારે મહત્તા આપતા. અનેક પુસ્તકોના ઉપરચોટીયા વાંચન કરતાં એક બે પુસ્તકોનો સંપૂર્ણ અભ્યાસ અને મનનને જ તે વધારે પસંદ કરતા. દરેક બાબતમાં-સંસાર સુધારા કે કેળવણીમાં- તે મૂળનેજ પકડતા અને તેને સુધારવાનો તે યત્ન કરતા. લોકોની સ્થિતિ સુધારવામાં પણ તે તેમના આંતર્‌વિકાસને વધારે મહત્ત્વ આપતા અને લોકોની લાગણીઓ તથા ભાવનાઓને ઉત્તેજન આપીને તે દ્વારાજ તેમનો વિકાસ કરાવવાને મથતા.