પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૯
ઉપસંહાર.

બાબતમાં સ્વામીજીની દૃઢતા ખડક જેવી સ્થિર હતી અને એ દૃઢતાથીજ તેમને ચ્હાનરા ઘણા પરદેશીઓની આંખો હિંદુઓના સાદા જીવનની શોભા અને સામર્થ્ય તરફ ઉઘડી રહી હતી.”

“સાદું જીવન અને ઉચ્ચ હૃદય” એ ઋષિમુનિઓના સનાતન સિદ્ધાંતનેજ સ્વામીજી અનુસરતા. “ટાઇમ્સ ઓફ ઇંડિઆ” ના કલકત્તાના ખબરપત્રીએ એકવાર આ વિષે લખ્યું હતું કે:– “સાદું જીવન અને ઉચ્ચ વિચારની બાબતમાં સ્વામીજીના જેવો દાખલો કોઈએ બેસાડ્યો નથી.”

તેમના જીવનમાં ક્ષણે ક્ષણે ઉત્કટ વૈરાગ્ય દેખાઈ આવતો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસ પોતાના આ વ્હાલા શિષ્યને “મારા શુક” કહીને બોલાવતા અને તેને પોતાની અધુરી સાધના પૂર્ણ કરવા આવેલો મહાન યોગાત્મા ગણતા. જગતની સમૃદ્ધિ, ઠાઠ અને સત્તા સ્વામી વિવેકાનંદને લલચાવી કે છેતરી શક્યાં નથી. સ્વામીજી ધનાઢ્યો, રાજકુંવરો, રાજાઓ અને મહારાજાઓ ભેગા ભળતા, પણ એમનો વૈભવ તેમની સાધના ઉપર કંઈપણ અસર કરી શકતો નહિ. પશ્ચિમમાં અનેક પ્રકારના ઠાઠમાઠ અને મોજશોખવાળાં સ્ત્રી પુરૂષોની સાથે તે ભળતા, પણ પશ્ચિમનો એવો ઠાઠમાઠ તેમને લલચાવી શકતો નહિ. ઉલટું એમજ બનતું કે એમના ઉત્કટ વૈરાગ્યની અને અનુભવસિદ્ધ આધ્યાત્મિક્તાની પ્રભા સર્વે ઉપર પડી રહેતી. એ વિષે નિવેદિતા લખે છે કે:―

“એમને જોઈને સામાના મનનું વલણ એકદમ બદલાઈજ જતું અને તેમનો બોધ સાંભળતાંજ માણસના મનમાં જ્ઞાનાગ્નિ પ્રગટી રહેતો. તેમની સાથે જરા પણ વાતચીત કર્યા વગર ફક્ત તેમનાં દર્શનથી જ કેટલાકની વૃત્તિ બદલાઈ જતી અને એમજ લાગતું કે માત્ર તેમને જોયાથીજ જ્ઞાનનો ઉદય થઈ જાય છે.”