પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

પોતે સાધુ છે એ ભાવથી સ્વામીજી અત્યંત ગર્વ ધરતા. આ જડવાદના દિવસોમાં જ્યારે સાધુતાનો અનાદર કરવામાં આવે છે ત્યારે સ્વામીજી ચુસ્ત ઉપાસક તરિકે સઘળા ટીકાકારોની વચમાં સિંહ સમાન ઉભા રહીને તેમને તેની ટીકા કરવાનો બીલકુલ હક્ક નથી એમ સાબીત કરી આપતા. જડવાદનાં કેન્દ્રસ્થાન યુરોપ, અમેરિકાદિ પ્રદેશમાં તો તેમણે એ પ્રમાણે ઘણીવાર કરેલું હતું. હાલના વધતા જતા મોજશોખ અને ઇંદ્રિયસુખનાજ ઉદ્દેશવાળા જીવનને તેઓ "સડી ગયેલાં છતાં ગુલાબનાં ફુલથી ઢાંકેલા શબ" જેવું અથવા તો કસબી વસ્ત્રથી ઢાંકેલાં દુર્ગંધવાળા ગુમડા જેવું કહેતા.”

સ્વામીજીને એકાન્ત અને આત્મધ્યાન બહુજ પ્રિય હતાં. અસંખ્ય માણસોની ભીડમાં પણ તેમની આંતરવૃત્તિ સ્ફુરી ઉઠતી અને તે ધ્યાનગ્રસ્ત બની જતા. ઘણીવાર તે અનેક કાર્યોને હાથમાં લીધેલાં હોવા છતાં પણ તેમાંથી મુક્ત થવાનું ઇચ્છતા. ઘણીવાર તે સંગાતીઓને છોડીને એકલાજ જંગલમાં ચાલ્યા જતા અને ધ્યાનમાં લીન થઈ રહેતા. ઘણીવાર એકલા ભજન ગાતા ગાતાજ આમ તેમ ફરતા જણાતા. એવા સમયમાં એમના ગુરૂભાઈઓ એમને કોઈપણ કારણસર છેડતા નહિ, કારણ કે એમની એવા સમયની મસ્ત વૃત્તિને તેઓ સારી પેઠે જાણી ગયા હતા. તેઓ લોક કલ્યાણના અનેક વિચારો તેમજ કાર્યો કરી રહ્યા હતા, પણ તેમનો આત્મા સદાએ અલિપ્ત હતો. નામ, કીર્તિ કે જય પરાજયની તરફ તેમની એવી નિસ્પૃહતા હતી કે કેટલીક વાર તો તેમના ગુરૂભાઈઓને પણ એમજ લાગતું કે હમણાંજ સ્વામીજી કાર્યને પડતું મૂકીને ક્યાંક ચાલ્યા જશે. સ્વામીજી ઘણીવાર કહેતા કે હિમાલયના એકાદ ઠંડા ખડક ઉપર પડ્યા પડ્યા પાણીના ધોધના સ્વરને શ્રવણ કરતે કરતે મૃત્યુને વશ થવું એ