પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શોધી કહાડે છે તેજ એ સંબંધોને સ્થૂલરૂપે દર્શાવી શકે છે. આંતરસૃષ્ટિમાંથી બાહ્ય સૃષ્ટિમાં સૌંદર્ય તો નિરંતર વહ્યા જ કરે છે. કવિ, ચિત્રકાર અને શિલ્પી એ સૌંદર્યમાંથી પોતાની ભાવનાઓને ગ્રહે છે અને માનવજાતિના લાભ માટે તેમને સ્થૂલ સ્વરૂપમાં પ્રગટ કરે છે. કલાકારનું એજ સર્વોત્તમ અને સર્વોત્કૃષ્ટ કર્તવ્ય છે.”

સ્વામીજી હિંદમાં અને પાશ્ચાત્ય પ્રદેશોમાં ફર્યા હતા અને દરેક પ્રજાની કળાઓને તેમણે સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળી હતી. તેમાં નૈસર્ગિક શક્તિનો અભાવજ તેમના જોવામાં આવતો. આધુનિક કળાઓમાં કૃત્રિમતા કે અનુકરણજ મોટે ભાગે થતાં જોઇને સ્વામીજીને ખેદ થતો. ભારતવર્ષની કલાઓનો સ્વામીજી બચાવ કરતા. પાશ્ચાત્યો એમ ધારે છે કે હિંદની કલાઓમાં ગ્રીક કલાની અસર છે. પણ સ્વામીજીએ એ વાતને તદ્દન ખોટી પાડેલી છે. હિંદનાં ભવ્ય મકાનો, પ્રાચીન દેવાલયો અને સાદાં ઝુંપડાંઓમાં પણ સ્વામીજી કલાનું દર્શન કરતા. ખાસ કરીને રજપૂતાનાની ધર્મશાળાઓ, દેવાલયો અને ગામડાનાં ઝુંપડાંઓમાં કોઈ કોઈ ભાવનાઓ મૂર્તિમંત થયેલી તે જોતા. હિંદની શિલ્પકલાને તે ઈટાલીની શિલ્પકલા જોડે સરખાવતા. કલામાં તે બ્રહ્મને જોતા. તે કહેતા કે “ખરેખર કલા બ્રહ્મ છે.” આ પ્રમાણે સ્વામીજીનું સંગીત, તેમની કલા ઉપરની ટીકાઓ, તેમની કવિતા અને તત્વજ્ઞાન, સર્વે આધ્યાત્મિક અનુભવોથી ભરપુર હતાં.

સ્વામીજી અનેક વાદ્યોને વગાડી શક્તા. તેમનું વધારે પ્રિય વાદ્ય વીણા હતું. તે મુખેથી ગાતા, એક હાથે નરઘા ઉપર તાલ આપતા અને બીજે હાથે કોઈ વાદ્યને વગાડતા. આ પ્રમાણે ત્રણે કામ તે સાથે કરી શકતા. પૂર્વ અને પશ્ચિમ બંનેનાં સંગીત શાસ્ત્રોનો તેમણે અભ્યાસ કર્યો હતો અને બંનેના ગુણદોષ, સામ્યતા કે ભેદ તે દર્શાવી શકતા. સંગીતની બાબતમાં તેમનો અભિપ્રાય પ્રમાણભૂત લેખાતો. નૃત્યકળાને