પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
અંગ્રેજી નિશાળમાં.


અસંખ્ય શ્લોકો કંઠે કરાવ્યા હતા. બંગાળી ભાષાનું સાહિત્ય પણ તેને ખાનગી શિક્ષક મારફત શિખવાતું. આથી કરીને ઘણાં બંગાળી વાક્યો નરેન્દ્ર મ્હોડે બોલી જતો. ખાસ કરીને રામાયણ અને મહાભારત બંગાળી ભાષામાંજ તેને શિખવવામાં આવ્યાં હતાં. આથી કરીને કેટલાક વેરાગીઓ, હાથમાં એકતારો લઈને રામાયણમાંની કવિતાઓ બોલતા બોલતા તેના ઘર પાસે આવતા. ત્યારે તેમને નરેન્દ્ર ધ્યાન દઈને સાંભળતો અને વખતે તેઓ ભૂલ કરતા તો તે સુધારાવતો. તેઓ તેની પ્રશંસા કરતા અને પાછા ફરતા. કોઈ પણ સ્થળે રામાયણની કથા કહેવાય તો ત્યાં નરેન્દ્ર જરૂર જાય. ભજન થતું હોય તો ત્યાં પણ જાય, ભજન ગાવા માંડે અને પ્રભુ નામની ધૂન બોલતા બોલતા કૂદવા માંડે. હનુમાનનું ચારિત્ર તેને અત્યંત પ્રિય થઈ પડતું. હનુમાન ! બાલ બ્રહ્મચારી ! વજ્રાંગ ! મહાવીર ! મહાભક્ત ! આજ્ઞાંકિત સેવક ! શ્રીરામના નામ વગરની મુક્તામાળા પણ જેને તુચ્છ લાગી ! આવા શબ્દો ભાર મૂકી મૂકીને તે બોલતો અને મસ્ત બની જતો ! એક કથાકારે એને કથામાં કહ્યું કે હનુમાન કેળાની ઘટામાં હજી પણ રહે છે. નરેન્દ્ર તરતજ શ્રીહનુમાનનાં દર્શન કરવાને આતુર બની ગયો ! તે બોલી ઉઠ્યો, “મને દર્શન દેશે ?” કથાકારે જવાબ આપ્યો, “હા, તમને પણ દર્શન થશે !” રસ્તામાં આવતાં આવતાં કદળી વૃક્ષની ઘટા તેની નજરે પડી. નરેન્દ્ર તેમાં જઇને બેઠો અને ધ્યાન ધરવા લાગ્યો. લાંબો વખત થયો પણ કંઈ દર્શન બર્શન થયું નહિં. તે બહુજ નિરાશ થયો અને ઘેર પાછો આવ્યો. ઘરનાં માણસોએ તેને સમજાવ્યો અને તેના બાળક હૃદયને શાંત પાડવાને માટે કહ્યું; “શ્રીરામનો સંદેશો લઈને તે પરગામ ગયા છે.” આથી તે શાંત થયો. કેવું બાળક હૃદય ! કેવી નિર્દોષતા ! બાળક નરેન્દ્રને મન તો પૃથ્વી ઉપરજ દેવતાઓ વસી રહ્યા હતા !