પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૯
ઉપસંહાર.


છે કે, “એ વખતે તેમના મુખમાંથી મીરાંબાઈ, નાનક અને તાનસેનનાં ગાયનો વારાફરતી નીકળતાં. પૃથ્વીરાજ અને દિલ્હીની વાતો, ચિતોડ અને પ્રતાપસિંહ, શિવ અને ઉમા, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ અને યશોધરા તથા બુધ્ધની કથાઓ સામે અથડાતી. જ્યારે સ્વામીજી આવી વાતો કહેતા ત્યારે દરેક બનાવ અદ્‌ભુત રીતે તદાકાર ખડો થઈ રહેતો. સ્વામીજીનું આખું હૃદય અને આત્મા ભારતવર્ષનાં મહા કાવ્યો હતાં. ભારતવર્ષનું નામ સાંભળતાં જ તેમનો આત્મા અને હૃદય અત્યંત પ્રેમથી ઉછળી રહેતાં.”

બુદ્ધના વાવટા નીચે જેમ સર્વને ચાલવાની છુટ હતી અને ન્યાત, જાત, વર્ણ કે ધર્મના ભેદ હતા નહિ તેજ પ્રમાણે વિવેકાનંદના શિષ્યો પણ જુદી જુદી જાતો, ન્યાતો, પંથો અને પ્રજામાંથીજ થયા હતા. ભગવાન બુદ્ધની માફક વિવેકાનંદે પણ લોકસેવામાં જ જીવન ગાળ્યું હતું. બંને મહા ત્યાગીઓ હતા. બંનેનો બોધ વિશાળ અને સર્વ સામાન્ય હતો. બંનેએ ધર્મનાં સામાન્ય લક્ષણોને પ્રતિપાદન કરેલાં છે. "સિધ્ધાંતો માટે મારામારી કરશો નહિ; પંથો, દેવળો, કે ધર્મસંસ્થાઓ માટે લડશો નહિ; સઘળું જીવન એકજ છે; કોઇની નિંદા કરશો નહિ; તમારા જીવનથી દર્શાવો કે ધર્મ કાંઈ નામમાં, શબ્દોમાં કે પંથોમાં સમાઈ રહેલો નથી, પણ તેના ખરેખરા આત્માનુભવમાંજ રહેલો છે. જેમને લાગણી થાય છે તેઓજ બીજાનું ભલું કરી શકે છે. જેમણે આત્માનુભવ મેળવ્યો છે તેજ બીજાને આત્માનુભવ કરાવી શકે છે. તેઓજ જગતના મહા ગુરૂઓ બની શકે છે; કેમકે ફક્ત તેજ દિવ્ય શક્તિઓ છે.”

અગત્યનો સવાલ એ છે કે સ્વામી વિવેકાનંદે આવું અસામાન્ય ચારિત્ર્ય શી રીતે સંપાદન કર્યું હતું. તેમના ગુરૂનું શિક્ષણ, ચારિત્ર્ય અને સ્વામીજી માટે તેમનો ઉંચો અભિપ્રાય, સ્વામીજીની પોતાની