પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સંન્યાસી થયા પછી પણ તે હનુમાન મહાવીરની વાર્તા ઘણા જુસ્સાથી કહેતો અને તેને સાંભળનારાઓ આવેશમાં આવી જઈને “જય હનુમાન” એમ બૂમ પાડી ઉઠતા. પોતાના આશ્રમમાં પણ હનુમાનની મૂર્તિ રાખવાની ઈચ્છા તેણે દર્શાવી હતી.

ભજન ગાનારી મંડળીઓ નરેન્દ્રના ઘર આગળ આવતી અને ભુવનેશ્વરી પોતાના પુત્રને માટે ખાસ કરીને તેમની પાસે ભજન ગવરાવતાં. નરેન્દ્ર તેથી ખુશી થતો અને કવિતામાં ગવાતી કથાઓને ધ્યાન દઈને સાંભળતો. આ પ્રમાણે અનાયાસેજ હિંદુ ભાવનાઓનું શિક્ષણ નરેન્દ્રના હૃદયમાં રેડાતું હતું. પોતાના પ્રજાકિય સાહિત્યનું અધ્યયન બાળક જેમ જેમ વધારે કરે તેમ તેમ તેનામાં સ્વાભાવિક રીતેજ સ્વદેશપ્રીતિ અને સ્વાભિમાન વધારે વધારે ઉદય પામે છે અને તે ખરૂં મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે; એમ ભુવનેશ્વરી દેવીનું દૃઢ માનવું હતું. માતૃભાષાના પરિપક્વ અભ્યાસની આવશ્યકતા ભુવનેશ્વરી દેવી સારી પેઠે સમજતાં હતાં. માતૃભાષામાં લખાયલાં પુસ્તકો, કવિતાઓ, ભજનો, દંતકથાઓ, ઇતિહાસ અને ચરિત્રો નરેન્દ્ર પાસે વંચાવવાં અથવા તો કોઈના મુખથી ગવાતાં તેને સંભળાવવાં કે જેથી કરીને બાળક સ્વદેશી સાહિત્યનું પ્રેમી બને, સ્વદેશી સાહિત્યમાં બાળકનો આત્મા ઉછેરાય, તેનું રહસ્ય તે સમજે અને તેની ઉંડી છાપ તેના હૃદયમાં પડી રહે એમ ભુવનેશ્વરી દેવી દૃઢપણે માનતાં અને નરેન્દ્રનો આત્મા બંગાળી સાહિત્યથી અલંકૃત થાય અને બંગાળી સાહિત્યમાં તે સર્વદા જાગૃત રહે એમ કરવાને તે અનેક યુક્તિઓ રચતાં. આ સઘળાનું પરિણામ એ આવ્યું કે આગળ ઉપર નરેન્દ્ર બંગાળી સાહિત્યનો એક મહાન ભક્ત બન્યો. બંગાળી ભાષાનો એક વિખ્યાત લેખક થયો અને બંગાળી કવિતાઓમાં એક કવિ તરિકે પણ માન મેળવી શક્યો ! આ સઘળો પ્રતાપ ભુવનેશ્વરી દેવીનોજ