પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને વેદો માનવજાતિ પ્રત્યેના પ્રેમનો પાઠ હતા. એના અભ્યાસથી માનવ જીવનરૂપી ફળ કેવું સુંદર, મિષ્ટ અને ઉપકારક બની રહે છે તેના સજીવ પ્રમાણરૂપ તેમનું જીવન હતું. સ્વામીજીનું મનોબળ, નિડરતા, પવિત્રતા અને પ્રમાણિકતા ઉપનિષદોના અભ્યાસનાંજ પરિણામ હતાં. તેમનું ચારિત્ર્ય ઉપનિષદનાં સત્યોથીજ ઘડાયેલું હતું. સ્વામીજીના માનવજાતિ પ્રત્યે નિ:સીમ પ્રેમ, આત્મભોગ અને કર્તવ્યપરાયણતા પ્રાચીન શાસ્ત્રોના બારીક અવલોકનનાંજ ફળ હતાં. આમ શ્રદ્ધા, ઉંચી સ્વદેશપ્રીતિ અને પોતાનો ઉદય કરવાનો દૃઢ નિશ્ચય વગેરેના જે ઉમદા પાઠ સ્વામીજીના જીવનમાંથી આપણને મળી આવે છે તે સર્વ ને માટે તેઓ આર્ય શાસ્ત્રોનાજ આભારી હતા. એ શાસ્ત્રોની મહત્તા તેમણે પોતાના જીવનથી સિદ્ધ કરી બતાવી છે અને તેમ કરીને તેમણે ભારતવર્ષના જીવનમાં મોટો ફેરફાર કરી મૂક્યો છે.

ઉપનિષદો આપણને શિખવે છે કે દરેક મનુષ્ય, પછી તે ન્હાનો હો કે મોટો, ઉચ્ચ હો કે નીચ, પરંતુ અખુટ શક્તિ, અપાર પવિત્રતા, અનુપમ આનંદ અને સદોદિત ચેતનજ તેનું અધિષ્ઠાન છે; શારીરિક અહં-મમ ભાવને મનમાંથી કહાડી નાખો એટલે તમે તે આત્માને ઓળખશો. તે આત્મા અનંત શક્તિવાળો અને પવિત્ર છે, તે નિત્ય છે; શુદ્ધ છે; બુદ્ધ છે; મુક્ત છે અને તે આત્મા તે તમે પોતેજ છો. સ્વામીજીના લેખો અને ભાષણોમાં અસંખ્ય એવા ફકરાઓ આવે છે કે જે આપણને આપણી એવી અનેકવિધ મહત્તાઓનું ભાન કરાવે છે.” સામર્થ્યવાન્ થાઓ, નિર્બળતાથી મુક્ત થાઓ અને તમારો પ્રેમ સર્વ તરફ પ્રસરાવો.” એ સ્વામીજીના શબ્દો ટુંકામાંજ એમની વેદાન્ત ઉપરની ભવ્ય ટીકાનો ખ્યાલ આપે છે. એક હિંદુ રાજકુંવરને તેમણે લખ્યું હતું કે “આપણું જીવન ટુંકું છે અને આ વિશ્વના વિષયો નાશવંત