પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૯
ઉપસંહાર.


આવે છે અને સાથે સાથે વિદ્યાર્થીને વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તો સમજવવામાં આવે છે કે જેથી કરીને તે મનુષ્ય તરિકે, શહેરી તરિકે અને ગૃહસ્થાશ્રમી તરિકે પોતાનાં કર્તવ્યો બરાબર બજાવી શકે. ભારતવર્ષનાં ગરિબોને માટે સ્વામીજીને જેટલી લાગણી હતી તેટલી બીજા કોઈને પણ નહિ હોય. ચિકાગોની સર્વ ધર્મ પરિષદ્‌માં પણ સ્વામીજી બોલ્યા હતા કે “તમે-ખ્રિસ્તીઓ પરદેશીઓના આત્માઓને બચાવવાને પાદરીઓ મોકલે છે, પણ તમે ભુખમરાથી તેમનાં શરીરને બચાવવાનો પ્રયાસ કેમ કરતા નથી ?...... તમે હિંદમાં સ્થળે સ્થળે દેવાલય બાંધો છો, પણ હિંદને ધર્મની જરૂર નથી. તેને ધર્મ તો જોઈએ તે કરતાં પણ વધારે છે. હિંદનાં અસંખ્ય દુઃખી મનુષ્ય સૂકાયલે મોંએ અન્નની યાચના કરી રહેલાં છે. તેઓ આપણી પાસે રોટલી માગે છે અને આપણે તેમને પથરા આપીએ છીએ. મારા ગરિબ સ્વદેશીઓને માટે અનાજ મેળવવા હું અહીં આવ્યો છું.”

સ્વામીજીએ જે અગત્યનું કાર્ય ભારતમાં કરેલું છે તે ગરિબોને માટેજ કરેલું છે. દુષ્કાળ કામ, અનાથાશ્રમ, સેવાશ્રમ અને રેલ વગેરે આફતોમાંથી લોકોને બચાવવાની યોજનાઓ, પ્લેગ પીડિત મનુષ્યની સેવા અને કલકત્તાના ગંદા મહોલ્લાઓની શુદ્ધિ કરવાના ઉપાયો, વગેરે કાર્યો સ્વામીજી ગરિબોને માટે જ કરી રહ્યા હતા. હજી પણ તેમના શિષ્યો તેવાં કાર્યો કરી રહેલા છે. હજી પણ તેઓ કોઈ સ્થળના લોકોનું દુ:ખ કે સંકટની વાત સાંભળતાં ત્યાં દોડી જાય છે અને તેમને મદદ કરે છે. સ્વામીજીનું હૃદય જેવું હતું તેવીજ પ્રેરણા તેમણે તેમના શિષ્યોને કરેલી છે અને શિષ્યો પણ તેજ પ્રમાણે વર્તી રહેલા જોવામાં આવે છે. સ્વામીજીએ ઉભાં કરેલાં બનારસ અને કનખલ વગેરે સ્થળનાં સેવાશ્રમો, મુર્શિદાબાદ વગેરેનાં અનાથાશ્રમો