પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૧
ઉપસંહાર.


કૃતિમાં મૂકેલી, અનુભવવાની અને કૃતિમાં મૂકાવવાની, પોષક અને શાંતિને પ્રસારનારી વસ્તુ હતી. સ્વામીજી વિદ્વાન, વિચારક અને વક્તા તરિકે જે અસાધારણ માનને પાત્ર છે તેના કરતાં પણ તેઓ સાચી લાગણીઓથી ઉભરાઇ જતા અંતઃકરણપૂર્વક લોકહિતનાં કાર્ય કરનાર અને અત્યંત ભાવિક ભક્ત તરિકે ઘણા વધારે માનને પાત્ર છે. તેમની શ્રદ્ધા અડગ હતી. નિરાશા કેવી હોય એ તો તે જાણતાજ નહિ. તે સામર્થ્ય વગરની વાત કદીએ કરતા નહિ. પરદેશીઓને તે મળતા ત્યારે પોતાના દરજ્જા પ્રમાણેજ મળતા. જ્યાં પણ સ્વમાન સાચવવા જેવું હોય ત્યાં તે એ પ્રમાણેજ કરતા અને પરદેશીઓના મન ઉપર ઉંડી છાપ પાડતા. એક અંગ્રેજ જે તેમને સારી પેઠે ઓળખતો હતો તેણે લખ્યું છે કે “સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિ સ્વમાન જાળવવામાં પણ રહેલી છે. એમનું સ્વમાન રાજકુંવરના જેવું જ છે.” નિવેદિતા લખે છે કે સ્વામીજીએ એક વાતનો પાકો નિશ્ચય કર્યો હતો કે:—

“પૂર્વે પશ્ચિમની આગળ ખુશામતીઆ કે નોકર તરિકે જવું નહિ જોઈએ, પણ ઉપદેશક કે ગુરૂ તરિકેજ જવું જોઈએ.”

“સ્વામીજીના હૃદયમાં એ નિશ્ચય ખડક જેવો દૃઢ હતો અને તેને અનુસરીને જ તે ઘણા પરદેશીઓની આંખ ઉઘાડી રહ્યા હતા.” બીજી તરફ ચુસ્ત જુના વિચારના હિંદુ તરિકે તેમનું જીવન અત્યંત સાદું અને નિર્મળ હતું. પોતાની સાદાઈને માટે તે ગર્વ ધરતા. તેમણે હિંદુઓને બોધ આપેલો છે કે “જો પ્રજા તરિકે જીવતા રહેવું હોય તો સાદું જીવન, સાદી ટેવો અને પ્રાચીન ભાવનાઓ-આદર્શોનો ત્યાગ કરશો નહિ.” પાશ્ચાત્ય સંસ્કૃતિ વિષે એકવાર તેમણે કહ્યું હતું કે:—