પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


“પાશ્ચાત્ય સુધારાનો ઓપ અને તેની ભૌતિક શક્તિ આટલી બધી છે, છતાં પણ હું આ સભામાં ઉભો રહીને તેમના મોંઢાપરજ કહું છું કે તે સર્વ ભૌતિક વસ્તુસ્થિતિઓની પેઠે મિથ્યાજ છે. તે ખોટો ડોળ છે અને પ્રભુ એજ ખરો છે. આત્મા એકલોજ નિત્ય છે. આધ્યાત્મિકતા એકલીજ ખરી છે. જો યૂરોપ પોતાની હાલની અવસ્થા અને આદર્શને બદલવાની દરકાર કરશે નહિ; જો તે આધ્યાત્મિક્તાને માનવજાતિના આધાર તરિકે ગ્રહણ કરશે નહિ તો તે ભૌતિક શક્તિઓનું મોટું મથક (યુરો૫) પચાસ વર્ષમાંજ ધૂળધાણી થઈ રહેશે. માનવજાતિ ઉપર તલવારથી અમલ ચલાવવો એ ઘણું હલકું અને નામોશી ભરેલું છે. જેમ મનુષ્યના જીવનમાં તેમજ પ્રજાઓના જીવનમાં પણ વહેલે મોડે એવો સમય આવે છે કે જે સમયે તેમને આ સંસાર ઘણો કંટાળા ભરેલો લાગે છે. મને લાગે છે કે પાશ્ચાત્ય પ્રજાઓને હવે તે પ્રમાણે થવા માંડેલું છે. તેઓના મહાપુરૂષો અને મહાન વિચારકોને ક્યારનુંએ લાગ્યું છે કે આ બધો નકામો ડોળ છે. દ્રવ્ય અને સત્તા પાછળનું આ ભટકણ અસાર છે. ત્યાંનાં ઘણાં સુશિક્ષિત સ્ત્રીપુરૂષોને આ સ્પર્ધા, આ જીવનકલહ અને આ વ્યાપારી સુધારાનુ જંગીપણું બહુજ કંટાળા ભરેલું લાગે છે અને તેઓ કોઈ ઉંચી વસ્તુને શોધે છે.” સ્વામીજીનું કહેવું કેટલે અંશે ખરૂં હતું તે યુરોપમાં ચાલેલી ભયંકર લડાઈ ઉપરથી અને હજી પણ ચાલુ રહેલી અનેક પ્રકારની અવ્યવસ્થા ઉપરથી સહજ સમજાય તેમ છે.

જાપાન પણ સ્વામીજીની વાતને થોડું ઘણું સમજવા અને સ્વીકારવા લાગ્યું છે. ત્યાંની ડોશીશા યુનિવર્સીટિના પ્રોફેસર “નાસાકુ હરદા” એ પોતાના બનારસમાં આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે “અમે પણ પશ્ચિમના આર્થિક સુધારા ગ્રહણ કરીએ છીએ;