પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
વિદ્યાર્થીજીવન.


શિખવવો કે એકજ સ્થળે બેસી રહેવું તેને ગમતું નહિ, નવું નવું જોવું, નવું નવું જાણવું, નવા નવા વિચારો કરવા, એ એને વધારે પસંદ પડતું. પણ આવું અસ્થિર-અશાંત બાળક, આસનવાળી એક ચિત્ત થઈ ધ્યાનમાં કલાકના કલાક સુધી બેસી રહેતું તે જોઈ સર્વને આશ્રય લાગતું ! સાધુઓને જોઈને હજી પણ નરેન્દ્ર ગાંડો ઘેલો થઈ જતો અને તે વખતે તેની અસ્થિરતા-અશાંતિ-કોણ જાણે ક્યાંયે જતી રહેતી ! સાધુ મળ્યો કે જાણે એને ગોળનું માટલું મળ્યું ! તેનો અંતરાત્મા સાધુ થઈ જવાને તત્પર થઈ રહ્યો હતો ! શાળામાં પોતાના મિત્રોને તે હર વખત પૂછતો કે દુનિયામાં તેઓ શું શું કરશે ! કોઈ નવો નિશાળીઓ આવે કે તેને પૂછે, “તારા વંશમાં કોઈ સંન્યાસી થયું છે ?” તે જો હા પાડે તો તે તેને બહુજ વહાલો લાગે ! વળી નરેન્દ્ર બધાની હસ્તરેખાઓ જોતો અને ભવિષ્ય ભાખતો. પોતાની રેખા જોઈને તે કહેતો કે તે સંન્યાસી થશે ! પછી બધાઓ સંન્યાસીઓની વાતો કરે અને નરેન્દ્ર તેમને સાધુઓનાં ચરિત્ર રસથી કહે ! “ તેઓ હિમાલયમાં રહે છે અને હમેશાં મહાદેવનાં દર્શન કરે છે, જેમને સન્યાસી થવું હોય તેમણે તેમની પાસે જવું અને પોતાની ઈચ્છા બતાવવી. મનુષ્ય અધિકારી છે કે નહિ તે જોવાને તેઓ તેને એક લાંબા વાંસ ઉપર અદ્ધર સુવાડે છે અને તે જો પડે નહિ તો તેને તેઓ દિક્ષા આપે છે. આ સંન્યાસીઓ શિવલિંગની માફક સીધા બેસે છે અને તેઓ કશાથી ડરતા નથી.” આવી આવી બાળક જેવી નિર્દોષ વાતો નરેન્દ્ર કહેતો. સાધુ વિષે વાત કરતાં તેનું હૃદય ઉલ્લાસમાં આવી જતું અને તેના મુખ ઉપર સાધુ જીવનની ઉજ્વલ પ્રકાશ છવાઈ રહેતો ! આવી વાતો કહેવામાં અને રમવામાં તે આખો દિવસ ગાળતો, માત્ર એકજ કલાક રોજ વાંચતો. વરસમાં નવ મહિના તે રમતો અને પરિક્ષા આવે ત્યારે