પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
વિદ્યાર્થી જીવન.


મોટો વાદ થતો, તેમાં વખતે પિતા અને વખતે પુત્ર જય મેળવતો. નરેન્દ્રની આ વૃત્તિને વિશ્વનાથ કદી દબાવી દેતા નહિં. તેને જે પૂછવું હોય તે પૂછવા દે અને તેનું સમાધાન કરે. વાદવિવાદમાં જ્યારે પુત્ર જય મેળવતો ત્યારે ભુવનેશ્વરી ઘણાં ખુશી થતાં. મોટી વયે પણ તે એજ વાત સર્વને કહેતો હતો કે “પુસ્તકમાં વાંચો કે તરતજ માનશો નહિ તે સત્યને ખોળી કહાડો. જાતે અનુભવ કરો !” અંધશ્રદ્ધા નહિ, પણ સ્વાનુભવ, એ એના ઉપદેશનું લક્ષ્યબિંદુ થઈ રહ્યું હતું.

નાનપણથીજ સમયસુચકતા અને નિડરતાનાં ચિન્હ તેનામાં કેટલેક અંશે દેખાઈ આવતાં હતાં. તે નીચેનાં ઉદાહરણ ઉપરથી સહજ સમજાશે. તે લગભગ છ વર્ષનો હતો અને તેના મિત્ર સાથે મેળામાં ગયો હતો. લાખ માણસ ત્યાં એકઠાં થયાં હતાં. તેણે શિવની મૂર્તિઓ ખરીદ કરી હતી. તેને તે જીવ સમાન સાચવતો હતો, ભીડ ઘણી હોવાથી એ અને એનો મિત્ર બંને જણ છૂટા પડી ગયા, તેનો મિત્ર ભીડમાં ચગદાવાની તૈયારીમાં હતો. શિવની મૂર્તિઓને સંભાળવી અને તેના મિત્રને ભીડમાંથી શોધી બહાર કહાડવો એ બંને વાતો બનવી મુશ્કેલ હતી. એવામાં એક ઘોડાગાડી દોડતી આવી અને તેનો મિત્ર ઘોડાના પગ વચ્ચે આવી જતાં તેણે બૂમ પાડી, નરેન્દ્રે તે બૂમ દૂરથી સાંભળી કે તરતજ તેની પાસે દોડી આવ્યો. એક હાથમાં શિવની મૂર્તિઓ તેણે પકડી અને બીજે હાથે તેના મિત્રને તેણે ખેંચી કહાડ્યો ! પ્રેક્ષકોએ તેને શાબાશી આપી અને તેની પીઠ થાબડી. માતા ભુવનેશ્વરીએ આ વાત જાણી ત્યારે તેમણે હર્ષનાં આંસુ પાડ્યાં અને બોલ્યા: "મારા દિકરા, હમેશાં એવું જ પુરૂષાર્થ દાખવજે.” જ્યારે તે નવ કે દસ વર્ષનો હતો ત્યારે પણ તેણે નિડરતા બતાવી હતી. એક વખત કેટલાક વિદ્યાર્થીઓને લઇને વનસ્પતિ વિજ્ઞાનશાસ્ત્રને માટે બનાવેલા એક બાગમાં તે ગયો હતો. આ બાગ