પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વધારે ને વધારે ઇશ્વર ભક્તિ કરવા લાગ્યાં. આમ ડગલે ને પગલે માતા તેની પાછળજ હતાં ! નરેન્દ્ર વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થયો તે પણ ભુવનેશ્વરીએ જોયું અને જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે પણ માતા તેના શબ પાસે ઉભી ઉભી આંખમાં અશ્રુ આણીને પ્રભુ પ્રાર્થનાજ કરી રહ્યાં હતાં !

ભુવનેશ્વરીને સાક્ષાત જગદંબા-ઈશ્વરી શક્તિ તરીકે નરેન્દ્ર જોતો અને પૂજતો. વિવેકાનંદ તરીકે તે પ્રખ્યાત થયો ત્યારે તે કહેતો : “કોઇપણ મોટો માણસ એવો નહિ હોય કે જેણે પોતાની માને ખરેખરી રીતે પૂજી નહિ હોય !” તેના તરફ ભાવથી જોતાં જાણે કે તે સાક્ષાત્ દેવી સામે જોતો હોય તેવો તેને ભાવ આવી જતો. દરેક માતા દેવીનો અંશ છે એમ તે માનતો અને આથી કરીને મોટી વયે કલકત્તામાં આવેલી દેવી કાળીનો તે મહાન ઉપાસક બની રહ્યો હતો. ભુવનેશ્વરીમાં કંઈક વિશેષતા છે, કંઈક નવિનતા છે એમ નરેન્દ્રને લાગતું. કંઈ પણ વાત હોય તો તે પોતાની માતાને કહેતો અને તેની આજ્ઞા પુરેપુરી માનતો. ભુવનેશ્વરી તેને વારંવાર કહેતાં કે મારા દીકરા ! મરવું પડે તો પણ સાચું જ બોલજે અને અડગ નિશ્ચયવાળો રહેજે !”

ભુવનેશ્વરી દેવીની આ શિખામણનું પાલન કરવાનું નરેન્દ્ર કદી પણ ચૂક્યો નથી. તેની માતા પ્રત્યે નરેન્દ્રને એટલો તો પ્રેમ હતો કે તે સાધુ થયો અને વિવેકાનંદ તરીકે પ્રખ્યાતિમાં આવ્યો ત્યાર પછી પણ વારંવાર પોતાનો મઠ છોડીને ભુવનેશ્વરી પાસે તે જતો અને તેમને મદદ કરતો.