પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બ્રહ્મચર્ય હતું. પવિત્રતા–બ્રહ્મચર્ય તેના વિદ્યાર્થી જીવનનું મુખ્ય લક્ષણ હતું. આ પવિત્રતા તેને માત્ર અસત્‌ કાર્ય કે અસત્‌ વિચારથી દૂર રાખતી, એટલું જ નહિ પણ સદ્‌વિચાર અને સત્‌ કાર્યમાં તે તેને સર્વદા પ્રવૃત્ત રાખતી.

મેટ્રીક્યુલેશનની પરિક્ષામાં પાસ થયા પછી અહમ્મદખાન અને વેણીગુપ્ત નામના મોટા ગવૈયાઓ પાસે નરેન્દ્ર ગાયન શિખવા લાગ્યો. તેના પિતાની ખાસ ભલામણ હતી કે એ વિદ્યા તેણે પ્રાપ્ત કરવી અને હિંદુઓની ગાયનકળામાં પ્રવીણ થવું. નરેન્દ્રને ઈશ્વરે મધુર સ્વર બક્ષેલો હતો. પૂર્વ અને પશ્ચિમની સંગીત કળામાં તે પ્રવીણ થયો અને બંને દેશનાં વાદ્યો વગાડવામાં હોંશીયાર થયો. સાથે સાથે નૃત્યકળા પણ તેણે સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધી. કુદરતના સૌંદર્યને તે ચહાતો અને દરેક વસ્તુમાં સૌંદર્ય લાવવાનું ઇચ્છતો. શ્રેષ્ઠ સંગીત અને શ્રેષ્ઠ નૃત્ય મનુષ્યમાં સુંદર લાગણીઓનો આવિર્ભાવ કરે છે. નરેન્દ્રના સંગીતમાં, નૃત્યમાં, કુદરત અને આત્માના સૌંદર્યનો, તેની ધાર્મિક લાગણીઓનો અને સુવિચારોનો આવિર્ભાવ થઈ રહેતો. તે જેમ જેમ વધારેને વધારે ધર્મિષ્ઠ થતો ગયો તેમ તેમ તેનું શરીર તેના સુંદર આત્માનો જાણે કે સ્થૂલ આવિર્ભાવ હોય તેમ બની રહ્યું. ઈશ્વરે તેનો ચહેરો ખુબસુરત બનાવેલો હતો.

તે જ્યારે ગાતો ત્યારે તેના અવાજની મિષ્ઠતા અને શરીરનું સૌંદર્ય એકમેકની સાથે અલૌકિક રીતે ભળી જતાં અને આસપાસ આધ્યાત્મિક સૌંદર્ય અને આધ્યાત્મિક એકતાનું સર્વને ભાન કરાવતાં. કોઈ કોઈ વખત તે એકલો એકલો ગાતો અને તેમાં એટલો બધો મશગુલ થઈ જતો કે ખાવા પીવાનું પણ ભૂલી જતો ! કેટલીક વખત ન્હાતી વખતે તે ગાવાનું શરૂ કરે અને તેમાં એટલો તો ગરક થઈ જાય કે પાણી પાણીને ઠેકાણે રહે અને કલાક બે કલાક વહી જાય !