પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તરલા

અથવા

ઊર્મિનો આવેગ. *[૧]
ભાગ પહેલો.
પ્રકરણ ૧ લું.
નાના પત્રે મચાવેલી ધમાલ.


“શું કરું ? ક્યાં જાઉં? છોકરાંને લઇ પીયર ચાલી જાઉં ? પીયરમાં શું કરું ? આટલી ઉમરે ફજેતી. બીજું કોઈ નહી ને પંદર રૂપૈયાની મહેતીજી ! લાવ ચાટલું જોઉં? મ્હારામાં શો ફેર થયો છે? નથી એ ભણેલી, નથી એ મ્હારા કરતાં ગોરી. નથી એ મારા કરતાં તંદુરસ્ત, ત્યારે ? લુગડાંમાં શું પૂળો મુકું ? મ્હારે માટે કાંઈ નહી–એને માટે લાવ્યા હશે તેને નહી ગમી હોય એટલે મ્હને વળગાડતા હશે. હું રોજ ના કહેતી હતી કે આપણે નહી. છોકરાને ભણાવવાનું તો બહાનું જ ને! હાય ! હાય! મ્હારાથી એ કેમ ખમાય ! પુરૂષો કોઈ દિવસ કોઈના થયા છે કે થશે ? બાયડીએ આમ કરવું ને તેમ કરવું, ત્યારે પુરૂષોને તો સઘળા હક હશે ખરા ને ? અમે મરી જઇએ ને બીજી લાવે તે તો જાણે ઠીક, પણ આ તો જમ જેવી બેઠી છું, કાલ વહાણે પરણાવવા જેવાં છોકરાં છે. આટલાં વર્ષ ગમી ને હવે ન ગમી ? હાય ! હાય ! લગ્ન પહેલાના અને પછીના થોડા દિવસો કેવા આનંદમાં ગયા હતા! અમે બે સાથે રહેતાં, એ મ્હારે ત્યાં આવતા, હું એમને ત્યાં જતી.


  1. * લાગણીનું જોર.