પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧
સુમન અને તરલા.


જઈ તે દિવસનું પેપર હાથમાં લીધું પણ એમાં રસ પડ્યો નહી. સુમનલાલ ઘડીઘડીમાં ઉભો થતો, રૂમાલથી પરસેવો લોહતો, પાણીથી મગજ ઠંડું કરતો. ઘરમાં બધાં સુઈ ગયાં હતાં. સુમનલાલ ઘડીયાળ જોતો, ગાડીનો ખખડાટ સાંભળતાં બારીયે જોતો ફરતો હત્પ્. હમેશના શાન્ત–ભોળા હદયના સુમનલાલના હૃદયમાં આજ અદેખાઈ, ઈર્ષા દાખલ થયાં હતાં. સામાન્ય રીતે સુમનલાલને શંકા ઉત્પન્ન થતી જ નહી. એની એવી માન્યતા હતી કે જે પતિ પોતાની પત્નીના ચારિત્ર્યની શંકા લાવે છે તે તેના પ્રેમનું અપમાન કરે છે. પત્ની પતિને ચાહ્ય જ, પતિ પત્નીને ચાહ્ય જ. એકબીજામાં શંકા સંભવે જ નહી એ સુમનલાલની શ્રદ્ધા[૧] ડોલવા લાગી હતી. બીજી ગમે તેવી ખુબસુરત કે ભણેલી યુવતીને જોઇ પોતાને કાંઈ જ થતું નહી, અને તરલા જ મારી છે, એ જ મારા સ્નેહનું સ્થાન છે, એમજ માની બીજા વિચાર કાઢી નાંખતો એટલે એને તો તરલાને માટે પૂર્ણ વિશ્વાસ હતો. આમ છતાં કોણ જાણે કેમ એના હૃદયની આજ શાન્તિ જતી રહી હતી. વિશાળ-ધોધબંધ વહેતી નદીના ઉપર બાંધેલા પુલ ઉપર ચાલતાં પડુ પડુ થતા પુલને જોઈ જીવનની આશા નષ્ટ થાય તેમ આજ સુમનલાલના સુખના પુલનું થયું હતું

સુમનલાલે હજી લુગડાએ પુરા કાઢ્યાં નહોતાં. એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરતાં ફરતાં તરલાના ઓરડામાં આવ્યો, ત્યાં સાડીએના કુચા, કબજાના ઢગ, ચોપડીયો અસ્તવ્યસ્ત, માસિકો સીલબંધ પડ્યાં હતાં. પોતાના સસરાએ પોતાની અને તરલાની નાનપણમાં સાથે પડાવેલી છબી જોતો ઉભો રહ્યો. તરલાની સાથે પોતે ઉભો હતો, ત્યાં ભૂજંગલોલ ! ભૂજંગલાલ હોય એમ કલ્પના કરી. પોતાની જગાએ ભૂજંગલાલ. નિશાળમાં વિદ્યાર્થી તરીકે નાટક કે વ્યાખ્યાનમાં તમારી જગાએથી તમને કેઈ હાથ પકડી ઉઠાડી મૂકે ને તે


  1. ૧. માન્યતા.