પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
તરલા અથવા ઉર્મિનો આવેગ

 જગા પોતે લે તો ત્હમને કેવું લાગે? સુમનલાલની સ્થિતિ અત્યારે ત્હેવી જ હતી. લગ્ન થયું નહોતું. વિવાહ ભાંગે તો ? નાતને દંડ આપી ભાંગે તો? આટલા દિવસ આટલાં વર્ષો સાથે રહ્યાં, એકબીજાને પતિ પત્ની માન્યાં–જગમાં મનાયાં, એકબીજાએ કેટલા આનંદ પણ ભોગવ્યા તે એટલા માટે!

'બસ! એ જ. આટલેથી અટકાવવું જોઈએ. ગમે તેમ થાય એ. પણ મારે કહેવું કેવી રીતે ? કારણ શાં આપવાં? ભૂજંગલાલની સાથે વાત કરતી હતી-કલાક સૂધી વાત કરતી હતી એ જ કે બીજું? વાત ના કરે ? વગર ભણેલ જુના જમાનામાં સ્ત્રીને પડદામાં રાખતા, હાલ તો સોસાયટી, ક્લબ, સમાજમાં સ્ત્રીઓને હરવા ફરવાનો હક છે અને ત્હેને અંગે અનેક પુરૂષો સાથે પ્રસંગમાં આવવાનું બને તો પછી વાત કરે એમાં પાપ! અમે પુરૂષો કેમ બીજી સ્ત્રીઓ સાથે વાત કરીએ છીએ?......બહુ વાત ન કરવી,એમ કહું તો મ્હને વ્હેમ આવે છે એમજ થાય ને ? ત્યારે મુંગો રહું? ના. બસ એ તો તડ ને ભડ, બંધ જ. ત્યારે કેવી રીતે વાત કરવી ?...હાં, બરાબર. એના મગજમાં આ વાત ઠસાવવી. પ્રથમ તો લોકટીકા, બીજું ન્યાતના રીવાજ પ્રમાણે વિવાહ તોડાય નહી, એટલે લગ્ન થયાં જ કહેવાય તે પછી–એકની પત્ની થયા પછી બીજા પુરૂષ સાથે વાત કરવી એ પાપ છે. ત્રીજું એની અસર કુટુમ્બમાં માઠી થાય, અને ચોથું એને પોતાને એમાંથી નુકશાન થવા સમ્ભવ છે.

એટલામાં ગાડીનો ખખડાટ સંભળાયો. ગાડી ઉભી રહી અને તરલા ઉપર આવી. હમેશના નિયમ પ્રમાણે સુતા પહેલાં તરલા સુમનલાલને મળતી. આજ બાર વાગ્યા છે એટલે સૂઈ ગયા હશે માની આવવાની નહોતી, પણ ઓરડામાં ઝગઝગતો દિવો જોઇ ડોકીયું કરવા આવી. તરલા પોતાના સુમનલાલને બેચેન ફરતો જોઈ એકદમ બોલી:–

'હજી સૂતા નથી! બાર વાગી ગયા ને !'