પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
સુમન અને તરલા.

 'તરલા ! મ્હારે ત્હારી સાથે વાત કરવી છે.'

તરલા એકદમ સ્તબ્ધ થઈ ગઈ 'મ્હારી સાથે? શાની ? ચાલો બેસો, બોલો શું છે ?'

'તરલા ! તું સાવચેત રહેજે એટલું જ કહેવાનું છે.'

'સાવચેત ! શા માટે ? શું છે ?'

તરલાનો ઉત્તર અંતઃકરણનો જ હતો અને સુમનલાલને કાંક શાતિ થઈ.

'તરલા ! દુનિયા હજી સ્વર્ગ થઈ નથી. તું સહેજ જ ફરતી હોઈશ, મ્હારા મનમાં કાંઈ જ નહી હોય પણ દુનિયા એના ઉંધા અર્થ લે છે. આજ જ તું પાર્ટીમાં ભૂજગલાલ સાથે એવી રીતે વાત કરતી હતી કે બીજાં ટીકા કરતાં હતાં.'

તરલાની આંખમાંથી અગ્નિ વરસવા લાગ્યો. એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું.

જનસ્વભાવ જ એવો છે કે પોતે ગુન્હેગાર હોય વા ન હોય તો પણ પહેલે તડાકે બચાવ શોધે. તરલા પણ પરિણામનો કાંઈ પણ વિચાર કર્યા વિના બોલી :

'સુમન ! મને તમારો સ્વભાવ જ વિચિત્ર લાગે છે. ત્હમને શું ગમે છે ને શું નથી ગમતું તે કહી શકાતું જ નથી.'

‘તું કોઈની સાથે બોલતી નથી. અભિમાની છે. કોઈ ખાઈ જાય છે? આપણે સુધારાના વિચારના એટલે હજાર જણ આવે તો પછી બધાની સાથે છૂટથી બોલતાં શું થાય છે, તે કહેનાર ત્હમે. હવે આમ બોલું છું , તમારું મનગમતું કરું છું તો તમને વ્હેમ આવે છે. હું કોઈ દિવસ પાત્ટીમાં જતી હતી? તમે ને શણગારભાભીએ કહ્યું ત્યારે ગઈ. ત્યાં જઈ બે માણસ સાથે હસી બોલી એટલે ખરાબ ઠરી ?'

સુમનલાલ હાલતી ખુરસી ઉપર બેઠો હતો ને ખુરશી હલાવતો હતો. તરલા બોલી: