પૃષ્ઠ:Tarlaa.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


'મહેરબાની કરી હલાવો નહી. ખખડાટ મારાથી ખમાતો નથી.'

'તરલા ! આ તરલાના શબ્દો નહી. મુંબાઈ જઈ આવ્યા પછી તરલા તરલા જ નહીં.'

'એટલે તમે કહેવા શું માગો છો ? હું શું કરું છું ને શું કરું ?'

સુમનલાલનો મિજાજ આજ હાથથી ગયો હતો. પરંતુ મૂળમાં જ નરમ, પહેલે જ તરલાને કાંઈ કહી શકેલ નહિ એટલે મિજાજ બિજાજ લાગે એમ હતું જ નહિ. સુમનલાલે ગંભીર થઈ કહ્યું :

'હું શું કહેવા માગું છું તે સાંભળ. પહેલાં તો ચિત્ત ઠેકાણે રાખી સાંભળજે. તું જાણે છે કે ઈર્ષ્યા, વ્હેમ શુદ્ધ પ્રેમમાં હોય જ નહી, હોય તો તે પ્રેમને અપમાન રૂપ છે. એવું માનનારો હું છું. અને મહ્ને વ્હેમ નથી તે પણ તું જાણે છે. પરંતુ ન્યાતજાત, જનસમાજની કેટલીક મર્યાદા છે. એ મર્યાદા ન ઓળંગાય, એ હદ બહાર ન જવાય તેમાં જ આપણી શોભા છે. આજ રાતની મીજલસમાં તારી વર્તણુક વ્હેમ લાવે એવી હતી. એથી ને વ્હેમ આવ્યો છે એમ માનીશ નહી. બીજા ટીકા કરતાં હતાં તે મ્હેં કાનોકાને સાંભળ્યું છે. ટુંકામાં ત્હારી પોતાની ખાતર પણ હદમાં નથી રહી.'

તરલા એકદમ જ બબડી ઉઠી, 'કદાચ હશે.'

વળી મનમાં વિચાર આવ્યો: 'બસ એ જ. બીજાની વાત. મ્હારા કરતાં–મ્હારા પ્રેમ કરતાં-મ્હારા સુખ કરતાં બીજાની ટીકાની–બીજાના મતની દરકાર વધારે રાખે છે. બીજા મ્હને ખરાબ કહે માટે હું ખરાબ. કેવા નબળા મનના !'

'સુમન !' તરલા મોટેથી બેલી, 'આજ તમારા શરીરને ઠીક નથી ખરું? સૂઈ જાઓ. હું જાઉં છું.' તરલાએ ઉઠી ચાલવા માંડયું. ત્યાં સુમનલાલ આડો ઉભો રહ્યો અને જરા ક્રોધે ભરાઈ બોલ્યો. ત્યાં તરલા મિજાજ ખોઇ બોલી : 'તમારે જે કહેવું હોય તે કહો. આ બેઠી.'